અમદાવાદ: રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહનો તહેવાર છે, સમગ્ર દેશની અંદર આ તહેવારની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ આ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. અમદાવાદ સ્થિત સાબરમતી જેલની અંદર પણ રક્ષાબંધનના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે 3800 જેટલા કેદીઓ ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધી અને આ પર્વ મનાવવામાં આવ્યો હતો.
દર વર્ષે સાબરમતી જેલ પ્રશાસન દ્વારા કેદીઓ પણ પોતાના પરિવાર સાથે મળીને આ ભાઈ-બહેનના પ્રેમના તહેવારની ઉજવણી કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે પણ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંદાજિત 3,800 જેટલા જેલના કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધી અને આ પર્વની ઉજવણી કરવામાં હતી. સાબરમતી જેલના કેદીઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતી હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સાબરમતી જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરીને રક્ષાબંધનની ઉજવણીમાં કેદીઓ પણ સંમેલિત થઈ શકે અને તેમની બહેનો પાસે રાખડી બંધાવી આ પર્વની ઉજવણી કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં જેલ પર જે બહેનોએ ભાઈને રાખડી બાંધવાની હોય તેઓએ તેમનું નામ નોંધાવવાની પ્રક્રિયા કરી ત્યાર બાદ માત્ર એક રાખડી અને સો ગ્રામ મીઠાઈ લઈને જ જવાની સૂચના આપવામાં આવી હતી.
આ વચ્ચે સાબરમતી જેલ ખાતે વધુ એક ભાવુક દ્રશ્યો ત્યારે સર્જાયા હતા જ્યારે મુસ્લિમ બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. અમદાવાદ શહેરની અંદર બધા તહેવારોની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સમગ્ર શહેરમાં ભાઈ બહેનોનો આ તહેવાર ઉજવાયો હતો અને સાબરમતી જેલના કેદીઓએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી.