રાજકોટ: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઠેર-ઠેર ગરબી તેમજ અર્વાચીન રાસ ગરબાનું આયોજન થતું હોય છે. ત્યારે વર્તમાન સમયની અંદર પ્રાચીન ગરબીઓ ઓછા પ્રમાણમાં થતી હોવાનું સામે આવતું હોય છે. જેમાં ઘણા ખરા શહેરોની અંદર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે પણ પરંપરાગત રાસ ગરબા અને પરંપરાગત માતાજીના નોરતાઓ નિમિત્તે વિશેષ રૂપે ગરબીનું આયોજન થતું હોય છે. ત્યારે આ નવરાત્રિમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ ખાતે યોજાતી જય અંબે ગરબી મંડળના ખેલૈયાઓ દ્વારા વિશેષ રૂપે અઠિંગો રાસ રજૂ કરવામાં આવ્યો છે. જે રાસને જોવા, માણવા અને નિહાળવા ધર્મપ્રેમી, કલા પ્રેમી જનતા વિશેષ રૂપે આ ગરબીમાં પધારે છે. ત્યારે બાળકો દ્વારા રજૂ થતા આ રાસની અનોખી વિશેષતા પણ જોવા મળે છે.
અઠીંગો રાસની ખાસિયત શું છે? અઠીંગો રાસની વાત કરવામાં આવે તો અઠીંગો રાસ એ એક એવા પ્રકારનો રાસ છે, જેમાં ખેલૈયાઓ એટલે કે બાળકો પોતાના હાથમાં દોરી રાખી રાસ રમે છે. અને આ રાસ રમે છે તે દરમિયાન આપમેળે એવી રીતે ગોઠવણ કરી રાસ રમવામાં આવે છે કે આ દોરી ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ દોરી અડધે સુધી ગૂંથાઈ ગયા બાદ ભગવાન શ્રીકૃષ્ણને આ ગૂંથેલી દોરી પરના હીંચકા સ્વરૂપ સ્થાન પર બેસાડવામાં આવે છે. અને ફરી આ રાસ રમવાનું શરૂ રહે છે અને ફરી વખત દોરી ગૂંથવાનું પણ રાસ દરમિયાન શરૂ થઈ જાય છે.
નવરાત્રિમાં બે દિવસ માટે અઠીંગો રાસનું આયોજન થાય છે: સેવંત્રા ગામે યોજાતા અઠીંગો રાસના મુખ્ય સંચાલક અને પ્રશિક્ષણ આપનાર પોલાભાઈ બારૈયાએ જણાવ્યું છે કે, આ રાસ હાલ ખૂબ જ ઓછી જગ્યાએ રમવામાં આવે છે. જેમાં ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના આ બાળકો દ્વારા નવરાત્રીમાં બે દિવસ અઠિંગો રાસ રમવામાં આવે છે અને આ રાસમાં બાળકો પણ ખૂબ મહેનત અને લગનથી તૈયારીઓ પણ કરે છે. જ્યારે નવરાત્રિમાં રાસ રમવાનું આયોજન થાય છે, ત્યારે પણ હોંશે-હોંશે આ રાસ રમતા જોવા મળે છે. આ સાથે જ વધુમાં તેમને જણાવ્યું છે કે, આ રાસ ઉપલેટા તાલુકા વિસ્તારમાં એકમાત્ર ગરબી જે સેવંત્રા ખાતે આયોજીત થાય છે.જેને જોવા માટે ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકો પધારે છે, અને બાળકોના આ મહેનત અને તેમની માતાજીના નવરાત્રી પ્રત્યેની ભક્તિ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.
રાસ રમતા ખેલૈયા શ્રીકૃષ્ણની લીલાના ગીતો ગાય છે: અઠીંગો રાસમાં ભાગ લેનાર અને સેવંત્રા ગામના ખેલૈયા દક્ષ બારૈયા એ જણાવ્યું છે કે, ઉપલેટા તાલુકાની આ એકમાત્ર ગરબી છે કે જેમાં આ અઠીંગો રાસ રમાડવામાં આવે છે અને આ રાસનું આયોજન નવરાત્રી દરમિયાન બે વખત કરવામાં આવે છે. આ રાસમાં ભગવાન શ્રીકૃષ્ણના ગીતો, માતાજીના નોરતા નિમિત્તે ગરબાઓ ગાઈ ભગવાન શ્રીકૃષ્ણની લીલા વિશેની વાતો કરવામાં આવે છે. રાસ રમવામાં રાસનું આયોજન એવી રીતે થાય છે કે, ખેલૈયાઓ દોરી પકડી રાસ રમે છે અને રાસ દરમિયાન આપો આપ આ દોરી ગુંથાઈ જાય છે અને ત્યારબાદ અડધી દોરી ગુંથાયા પછી એમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપ બાળકને બેસાડી ભગવાનને મનાવવા, રીઝવવા, ઉતારવા માટેના પણ ગીતો ગવાય છે અને આ ગીતો ગાયા બાદ ફરી વખત દોરી ગુંથવાનું એટલે કે રાસ રમવાનું શરૂ થાય છે અને ભગવાનની લીલાઓ વિશેની પણ વાત કરવામાં આવે છે.
હાથમાં દોરી લઈને બાળકો રમે છે રાસ: ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામની યોજાતી એકમાત્ર ગરબીમાં યોજાતા આ અઠીંગો રાસમાં સોળ જેટલા ખેલૈયાઓ જોડાય છે અને તમામ ખેલૈયાઓના હાથમાં એક એક દોરી આપવામાં આવે છે, જે દોરી સાથે આ બાળકો રાસ રમે છે અને આ રાસ રમતા-રમતા તેમની સાથે રહેલ દોરી પણ ફરે છે. ફરતી-ફરતી આ દોરી ગુથાઈ જાય છે અને ત્યારબાદ અડધે સુધી ગુંથાયા બાદ આ દોરીમાં ભગવાન શ્રીકૃષ્ણ માટે એક સ્થાન મુકવામાં આવે છે અને બાળક કે જે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લીધેલ હોય તેમને બિરાજવામાં આવે છે અને આ બાદ પુનઃ રાસને રમવામાં આવે છે ને ફરી વખત દોરી ગુથવાનું કાર્ય શરૂ થાય છે.
શ્રીકૃષ્ણને નીચે ઉતારવા ભક્તો આપે છે વધાવો: આ અઠિંગો રાસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને ઉતારવા માટે લોકો વધાવો આપે છે અને વધાવો લખાવી ભગવાન શ્રીકૃષ્ણને ઉતારવા માટે પોતાનો આર્થિક સહયોગ લખાવે છે. ત્યારે આર્થિક સહયોગમાં સૌથી મોટો જેનો સહયોગ હોય તે આ ભગવાનને ઉતારે છે અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાના દર્શન કરે છે. ત્યારબાદ ફરી વખત રાસ શરૂ થાય છે જેમાં જે રીતે દોરી આપો આપ ગૂંથાઈ હતી તે રીતે પુનઃ દોરી ખુલી જાય છે. આ રાસ અંદાજે દોઢથી બે કલાક ચાલે છે જેમાં લોકો પણ આ રાસને શરૂથી લઈને અંત સુધી જોવા માટે ઉપસ્થિત રહે છે.
આ પણ વાંચો: