રાજકોટ: જિલ્લામાં બનેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વિતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાની કુલ 09 મુદત આપી દેવામાં આવી છે. તેમ છતા હજુ સુધી કેસ ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી. કેસને મોડું કરવા માટે આરોપીઓ વકીલ ન રોકતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓને કોર્ટની ટકોર: રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યોએ આરોપીઓ વતી કેસ નહિ લડે તેવી સ્વૈચ્છિક જાહેરાત કરી હતી. તેથી આરોપીઓ વકીલ ન મળતા હોવાનાં બહાનાં બનાવી રહ્યા છે. જો કે, હવે કોર્ટ દ્વારા આખરી મુદત આપી 3 ડિસેમ્બરના રોજ બાકી રહેલા 4 આરોપીને વકીલ રાખવા ટકોર કરવામાં આવી છે. જો વકીલ નહી રાખે તો સરકાર તરફથી વકીલ ફાળવી કેસને આગળ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે.
15 આરોપીઓ જેલ હવાલે કરાયા: TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને 6 મહિનાનો સમય વિતી ગયો છે. છતાં આરોપીઓને સજા ક્યારે થશે તે સવાલ ઉભો છે. તો બીજી તરફ સમગ્ર કેસ સેશન્સ કમિટ થયાને 9 જેટલી મુદતો પડી ચૂકી છે. તેમ છતાં હજુ સુધી 4 આરોપીઓ દ્વારા પોતાના વકીલ રોકવામાં આવ્યા નથી. ત્યારે સમગ્ર મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તેમજ રાજકોટ બાર એસોસિએશન વતી એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાઓએ અગ્નિકાંડ બાબતે ડે ટુ ડે સુનવણી કરવામાં આવે તે પ્રકારની લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.
વકીલની ફાળવણી કરીને કેસ આગળ ચલાવાશે: આગામી 3 ડિસેમ્બરના રોજ કેસ ડે ટુ ડે ચલાવવા તેમજ 4 આરોપીઓ દ્વારા જો વકીલ રોકવામાં નહીં આવે. તો તેમને લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસને આગળ ધપાવવામાં આવશે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 15 આરોપીઓ હાલ જેલમાં છે. તે પૈકી 4 આરોપીઓ રોહિત વિગોરા, યુવરાજસિંહ સોલંકી, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા સહિતનાઓ દ્વારા વકીલ રોકવામાં આવ્યા નથી. ત્યારે આગામી સમયમાં અગ્નિકાંડ મુદ્દે ડે ટુ ડે સુનવણી થાય છે કે, કેમ તે જોવું મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો: