ઉપલેટા : આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થવાની છે. ત્યારે ઉપલેટા શહેરમાં યોજનાર આ કાર્યક્રમને લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપલેટા ખાતે પહોંચ્યા હતાં. આ કાર્યક્રમના સ્થળે 26 જાન્યુઆરીના કાર્યક્રનું રિહર્સલ તેમજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા તેમજ રાજકોટ ઇન્ચાર્જ કલેક્ટર એવા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતાં અને પરેડનું સંપૂર્ણ નિરીક્ષણ કરી અને આગામી કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
નાગરિકોને ઉજવણીમાં જોડાવાની અપીલ : આ અંગે I/C કલેકટર અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દૈવ ચૌધરીએ જણાવ્યું હતું કે, 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે જે અંગેનો સ્થળ પર રિહર્સલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર પોલીસની પરેડની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં અને આ ઉત્સવ અને ઉજવણીની અંદર ઉપલેટા પંથક તેમજ જિલ્લાના તમામ નાગરિકોને આ ઉજવણીમાં શામેલ થવાની પણ અપીલ છે.
સ્વતંત્રતા સેનાનીનું સન્માન : રાજકોટના ઉપલેટા શહેરમાં ઉજવાઈ રહેલા રાજકોટ જિલ્લા કક્ષાના 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં આ કાર્યક્રમની અંદર મંત્રીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે અને સલામી આપવામાં આવશે અને સૌ કોઈ સાથે મળી રાષ્ટ્રગાન પણ કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમની અંદર પરેડ નિરીક્ષણ અને માર્ચ પાસ્ટ તેમજ હર્ષધ્વનિ અને સ્વતંત્રતા સેનાનીનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમો પણ યોજાશે : ઉજવણીની સાથે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ વિશેષરૂપે યોજાશે જેમાં અલગ-અલગ કાર્યક્રમો, પ્રદર્શન માટેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે. વિશિષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓનું પણ આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવશે અને કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.