મોરબી: રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીની બદલીની યાદી જહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ ચર્ચાનું કારણ બન્યું છે. કારણ કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાના કમિશનર તરીકે જેમને કેસનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે દેવાંગ દેસાઈની 6 મહિનામાં બદલી કરી તેમના સ્થાને 2012 બેચના તુષાર સુમેરાની રાજકોટ મનપાના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, તુષાર સુમેરા મૂળ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની હજુ પણ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે. 6 મહિનામાં જ સરકારે મુકેલા મનપા કમિશનર દેવાંગ દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા કમિશનર તરીકે તુષાર સુમેરાણી નિમણુંક કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, દેવાંગ દેસાઈએ જ સરકાર પાસે બદલી માટે માંગણી કરી હતી જે મંજુર કરવામાં આવી છે. સરકાર દ્વારા તેમની બદલી રાજકોટથી ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપામાં ફરજ બજાવતા 15 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ રાજીનામાં આપી ચુક્યા છે.

આમ, 6 મહિના પૂર્વે જ કમિશનર બનેલા દેવાંગ દેસાઈની બદલી કરી દેવામાં આવી છે. 25 મે, 2024ના રોજ નાના મવા રોડ પર TRP ગેમઝોન ખાતે અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ બાદ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આનંદ પટેલની બદલી કરી તેમની ખાલી પડેલી જગ્યાએ દેવાંગ દેસાઈને મનપા કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. આ પછી રાજકોટ મનપામાં એક બાદ એક મળી કુલ 15 અધિકારી, કર્મચારીએ રાજીનામાં આપી દીધા હતા. હવે દેવાંગ દેસાઈની પણ બદલી કરી તેઓને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમની જગ્યાએ રાજકોટના નવા કમિશનર તરીકે 2012 ગુજરાત કેડરના IAS ઓફિસર તુષાર સુમેરાની નિમણુંક કરવામાં આવી છે.

તુષાર સુમેરાને ધોરણ 10માં તેઓને દરેક વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 11-12 આર્ટ્સમાં અભ્યાસ કરી ત્યારબાદ ટીચર બન્યા હતા. આ દરમિયાન તેઓએ માત્ર ગુરૂ બનીને કોઈ એક-બે ગામ કે જિલ્લાના લોકોને સુધારવા બદલે દેશને સુધારવા માટે સ્વપન જોઈ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓએ 2012માં પરીક્ષા પાસ કરી IAS ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પેહલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટ કર્યું હતું.
આ પણ વાંચો: