અમદાવાદ: રાજકોટ ગેમઝોનમાં ગયા મહિને બનેલી આગની દુર્ઘટના મ્યુનિસિપલ કમિશનર ઉપર ભયંકર બેદરકારી દાખવવાનો આરોપ છે. ગુરુવારે આ કેસની સુનાવણી કરતી વખતે નામદાર ગુજરાત હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે શા માટે આવા કિસ્સાઓમાં માત્ર કોન્ટ્રાક્ટર્સને જ દોષ આપવામાં આવે છે? અને જણાવ્યું હતું કે, "આવી ઘટનાઓમાં "જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે."
રાજકોટ ટીઆરપી ગમેઝોન ખાતે બનેલી આગની ઘટના 25 મે, 2024ના દિવસે બની હતી, જેમાં 28 લોકોના આગમાં ભડથું થઈને મોત થયા હતા. જેમાં બાળકો પણ હતા. તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ ફાયર લાયસન્સ વગર સંચાલન કરી રહ્યા હતા.
અગાઉની સુનાવણીમાં, જ્યારે સામે આવ્યું કે રાજકોટ ગેમિંગ આર્કેડમાં આગની ઘટના બની એ ફાયર લાયસન્સ વગર ચાલતો હતો ત્યારે કોર્ટે રાજ્ય સરકાર અને સિવિક બોડીનો ઉધડો લીધો હતો. રાજકોટમાં અન્ય બે ગેમિંગ ઝોન બે વર્ષથી કોઈપણ જાતની ફાયર સેફટી સહિતની પરવાનગીઓ વગર ચાલી રહ્યા હતા.
"આવી ઘટનાઓ મોરબી સહિત વડોદરામાં હરણીમાં બનતી રહે છે" આજે હાઇકોર્ટે કહ્યું. "શા માટે સરકાર આવા કિસ્સાઓમાં માત્ર કોન્ટ્રાક્ટર્સને જ દોષિત ગણે છે? મ્યુનિસિપલ કમિશનરો ઊંઘે છે એટલે તેમની બેદરકારીને લીધે જ આવી ઘટનાઓ બને છે. હવે કોઈ પણ મ્યુનિસિપલ કમિશનરને છોડવામાં નહીં આવે." તેવું ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની આગેવાની હેઠળની બે જજોની બેન્ચે કહ્યું હતું.
"રાજકોટ ફાયર દુર્ઘટના તમને નાની જણાતી લાગે છે, હવે તમે ઑફિસર્સને બચાવી નહીં શકો, તેમ જજોએ કહ્યું અને એફિડેવિટ સમયસર ફાઇલ કરવાનો ઓર્ડર કર્યો. "તમને શરમ નથી આવતી?" કોર્ટે સિવિક બોડીને ઝાટકી જ્યારે તેઓએ એફિડેવિટ ફાઇલ કરવા માટે વધુ સમય માંગ્યો.
હાઇકોર્ટમાં એ પીટીશનની સુનાવણી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશિત ફાયર સેફટી એક્ટનું રાજ્યમાં પાલન થતું નથી. આ પીટીશનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ ઘટનાના ઇન્વેસ્ટીગેશનમાં ઢીલું વલણ અપનાવવામાં આવ્યું છે.