રાજકોટ: ટીઆરપી ગેમઝોનમાં થયેલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિના પગલે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન પોલીસ દ્વારા આ રાજકોટ બંધની કામગીરી અટકાવવાના પ્રયાસો થાય હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓની સાથે પોલીસે પીડિત પરિવારોને પણ ન છોડ્યા હતા. પીડિત પરિવારોને પણ પોલીસે ટીંગાટોળી કરી બેરેહમી પૂર્વક અટકાયત કરી હતી. પીડિત પરિજનોને રસ્તા ઉપરથી ઘસડીને પોલીસના વાહનમાં ફંગોળવામાં આવ્યા હતા. જે અંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું.
બળજબરી પૂર્વક બંધ કરાવતા હોવાનું જોવા મળ્યું નથી: નોંધનીય છે કે, એક બાજુ કેબિનેટની મિટિંગમાં રાજકોટ દુર્ઘટનાના મૃતકોને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સરકાર વતી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ રાજકોટમાં પોલીસ દ્વારા રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવાર પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછવામાં આવ્યા હતા. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, "મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ફોર્સફૂલી બંધ કરાવવાનો વિષય અથવા તો એવા સંજોગો પેદા થાય કે અશાંતિ ભર્યો વાતાવરણ પેદા કરવાનો પ્રયાસ થાય ત્યાં પોલીસ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પીડિત પરિવારો અને કોંગ્રેસના નેતાઓ ક્યાંય પણ બળજબરી પૂર્વક બંધ કરાવતા હોવાનું જોવા મળ્યું નથી. તેઓ લોકોને હાથ જોડીને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી."
જીગ્નેશ મેવાણીએ કરી બંધ માટે અપીલ: આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા સવારથી શાળા, કોલેજ બંધ કરાવવામાં આવી હતી. કોંગ્રેસના બંધના સમર્થનમાં રાજકોટ અગ્નિકાંડના પોડિતો પણ આવ્યા હતા. કોંગ્રેસના નેતા અને પીડિતોએ દુકાનદારોને હાથ જોડીને પોતાનો વ્યવસાય બંધ રાખવા માટે અપીલ કરી હતી. રાજકોટના મોટાભાગના વેપારીઓએ બંધને સમર્થન કર્યું હતું. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દુકાનદારોને હાથ જોડીને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી.