રાજકોટ: સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી તેમજ ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તાર અને આસપાસના પંથકની અંદર ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
લોકોને ગરમી સામે રાહત મળી: રાજકોટમાં લોકો ઘણા દિવસોથી સવારથી ગરમી તેમજ બફારો સહન કરી રહ્યા હતા જ્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને પ્રભુને પ્રાર્થના કરતા હતા. જેમાં રાત્રિ દરમિયાન વરસાદ મન મૂકીને ધોધમાર રીતે વરસતા લોકોને ગરમી સામે રાહત મળી છે જ્યારે ખેડૂતો વચ્ચે વાવેતર કરેલા મોલની અંદર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેતપુરમાં સૌથી વધુ વરસાદ: જિલ્લામાં સૌથી વધુ વરસાદ જેતપુરમાં પડ્યો હોવાની વિગતો સામે આવી છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયા વિસ્તારમાં પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 1 જુલાઈ 2024ના રોજ સવારના 06:00am વાગ્યા સુધીમાં આ સીઝનમાં પડેલ કુલ વરસાદ અંગેની રાજકોટ કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર, જેતપુરમાં સૌથી વધુ 7.5 ઇંચ (191mm) જ્યારે વિછીયામાં સૌથી ઓછો 1.5 ઇંચ (40mm) વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે.
વોકળાઓ ઓવરફ્લો : ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ, કટલેરી બજાર, ગાંધી ચોક, ઝીકરીયા મસ્જીદ વિસ્તાર તેમજ ભાદરચોક સહિતના વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉપલેટા પંથકમાં પડેલા વરસાદમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમ કે લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેજ, તલંગણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે વોકરાઓમાં વરસાદી પાણીના પૂર જોવા મળ્યા છે. તો સાથે જ ઘણા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણીના પ્રવાહ જોવા મળ્યા છે.
વાહન વ્યવહાર તેમજ આવન જાવન બંધ: આ સાથે જ ઉપલેટા તાલુકાના લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદને કારણે લાઠ ગામથી અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર તેમજ આવન જાવન બંધ થઈ ગયું છે. પરિણામે બસને પણ રોકી દેવામાં આવી છે. આ સાથે જ મોજ ડેમ વિસ્તારમાં પડેલા વરસાદમાં ગઢાળા, સેવંત્રા, મોજીલા, ખાખીજાળીયા, ભાયાવદર, અરણી, ખીરસરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે આ વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.