રાજકોટ : સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને બેભાન કરીને સોનાના દાગીના લૂંટતા શખ્સને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ 6 ગુનાના ભેદ ઉકેલી નાખ્યો હતો. સાથે જ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. છેલ્લા દોઢ વર્ષથી આ શખ્સ મુસાફરોને લૂંટી રહ્યો હોવાનું ખુલ્યું છે.
લૂંટની અનોખી તરકીબ : રાજકોટના બે બનાવોમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં ગત 15 ઓગસ્ટના રોજ રાજકોટની પંચનાથ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત પોતાના મિત્રના ઘરે વાસ્તુમાં જતા હતા. ત્યારે તેમની બાજુમાં બસમાં બેઠેલા શખ્સે બિસ્કીટ ખવડાવી દાગીના અને રોકડ સહિત રૂ. 1.65 લાખની મત્તા ચોરી લીધી હતી.
મુસાફરોને બેભાન કરી લૂંટ : બીજી ફરિયાદમાં ગત 9 ડિસેમ્બરના રોજ રાજકોટના ફરસાણના વેપારી વિજયભાઈ કિશોરભાઈ હાંસલિયા સુરતથી રાજકોટ આવી રહ્યા હતા. બસમાં તેમની બાજુમાં બેઠેલા મુસાફરે તેમને બેભાન કરી રોકડ અને દાગીના સહિત રૂ. 1.70 લાખની મત્તા ચોરી લીધી હતી.
રોકડ અને દાગીના ગાયબ કર્યા : આવો જ એક બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયો હતો. જેમાં સુરતના વેપારી હરસુખભાઈ મેઘજીભાઈ સાવલિયા સુરતથી ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રભાત ટ્રાવેલ્સની ઓફિસેથી બસમાં જેતપુર આવવા નીકળ્યા હતા. ત્યારે તેમની બાજુમાં બેઠેલા શખ્સે નાસ્તામાં ઘેની પદાર્થ ખવડાવી બેભાન કરી રોકડ સહિત રૂ. 1.79 લાખની મત્તા ચોરી લીધી હતી.
ગુજરાતભરમાં ગુના નોંધાયા : આવા બનાવોમાં સુરતમાં પણ બે ફરિયાદ અને એક ભુજમાં એમ કુલ 6 ગુનાઓ બન્યા હતા. આ તમામ ચોરીમાં એક જ શખ્સની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ ક્ર્રાઈમ બ્રાંચના DCP પાર્થરાજસિંહ ગોહિલ અને ACP ભરત બસીયા તેમજ PI ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PSI વી.ડી. ડોડીયા તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી હતી.
આખરે ઝડપાયો આરોપી : આરોપી મૂળ ભાલ પંથકના અને હાલ ડાકોરમાં રહેતો અને કાપડની દુકાન ચલાવતા મહેન્દ્રસિંહ ચુડાસમા છે. આરોપીએ તમામ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની પાસેથી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી મહેન્દ્રસિંહ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ગુજરાતભરમાં અલગ અલગ બસમાં મુસાફરી કરી મિત્રતા કેળવી મુસાફરને બેભાન બનાવીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું.