દાહોદ: સમગ્ર રાજયની સાથે સાથે દાહોદ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જિલ્લામાં ગત રોજનુ તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું હતું. ત્યારથી વાતાવરણમાં આવેલા એકાએક પલટાના કારણે આજે શુક્રવારે દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદના અમી છાંટા પણ વરસતા રોડ રસ્તાઓ ભીના થયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દાહોદ જિલ્લામાં આગ વરસાવતી ગરમી વચ્ચે વરસાદ થયો હતો. દાહોદ જિલ્લા કંટ્રોલરૂમના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 10.89 mm વરસાદ વરસ્યો હતો.
વાતાવરણમાં પલ્ટો: દાહોદ જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયુ અને અંધારમય વાતાવરણ સર્જાયું હતું. સવારથી જ વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાવાની સાથે જ વરસાદી ઝાપટા ચાલુ થતા જ વરસાદ વરસવાની સાથે જ વાતાવરણ ઠંડુ શિતગાર બની ગયું હતું. આ ભારે પવન સાથે કમોસમી વરસાદને લીધે જિલ્લાનાં અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે વીજ કંપની દ્વારા નાગરિકોની સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવી હતી.
ગરમી માટે તૈયાર રહેવું પડે તેવી આગાહી: રાજ્યમાં ગરમીની પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેવું પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન જ રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો: શહેરમાં આજે સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે વરસાદ વરસતા ગરમીમાં મહદઅંશે ઘટાડો થયો હતો. એક બાજુ દાહોદમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જ્યારે ફરી ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી ઊંચકાવવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ બાદ ફરી આકરી ગરમીનો પારો જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 27 એપ્રિલ હિટવેવ કે વરસાદ અથવા હવામાનમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી.