વાપી: વાપીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાપી પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અનંત પટેલે ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થશે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.
અનંત પટેલે કર્યા ભાજપ પર આકરા પ્રહાર: વાપી તાલુકાના બલિઠા, નામધા, છીરી, છરવાડા અને વાપી પાલિકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ચૂંટણી પ્રચાર તેમજ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ આદમી પાર્ટી અને વાપી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાપીના અનેક ફળિયામાં પીવાના પાણીની, વરસાદી પાણી ભરાઈ જવાની, આંગણવાડીની, યુવાનોને રોજગારીની, બહેનોની સુરક્ષાની, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓની સમસ્યાઓને લઈને લોકોએ તેમની સમક્ષ રજૂઆત કરી છે.
શું કહ્યુ અનંત પટેલે: લસાડ ડાંગ લોકસભા ચૂંટણી 2024ના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું હતું. કે, વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જેમ વાપીના શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. દરેક સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની વિકાસની વાત અંગે તેમણે ટકોર કરી હતી કે, રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા એને વિકાસ ન કહેવાય, વિકાસ એટલે યુવાનોને રોજગારી મળે બે ટકનું ખાવાનું મળે તેને વિકાસ કહેવાય અને તે વિકાસની વાત લઈને તેઓ આ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે.
અસ્ટોલ યોજના, નલ સે જલ યોજન સંપૂર્ણ નિષ્ફળ: અનંત પટેલે કપરાડામાં ભાજપે શરૂ કરેલ અસ્ટોલ યોજના અને નલ સે જલ યોજન સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, લોકોને પીવાનું પાણી મળે, ખેડૂતોને પાકનો ભાવ મળે, પશુપાલકોને દૂધનો ભાવ મળે, સરકારી કોલેજમાં સારું શિક્ષણ મળે, સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળે, જમીન ધોવાણ અટકે, માછીમારોના પ્રશ્નો હલ થાય તેના નિરાકરણની વાત લઈને તેઓ મતદારો સમક્ષ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આપ અને કોંગ્રેસના ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો: તો, ભાજપે આ લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડથી ભાજપના ઉમેદવારને જીત અપાવવાનો હુંકાર ભર્યો છે. તે વાત ને હાસ્યાસ્પદ ગણાવી હતી. આપ અને કોંગ્રેસના ગઠબંધનને કારણે આ વિસ્તારમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થશે. જેમ વિધાનસભા ચૂંટણી વખતે આપ અને કોંગ્રેસે બે લાખથી વધુ મત મેળવ્યા છે. તેનો સીધો ફાયદો આ લોકસભા ચૂંટણીમાં થશે અને લીડ મેળવશે તેવું જણાવી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બેનર અને લેટર વોર ભાજપનો આંતરિક જૂથવાદ: લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ હાલ ચાલી રહેલા બેનર અને લેટર વોર અંગે અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે, આ ભાજપનો આંતરિક જૂથવાદ છે. કોંગ્રેસ પર આક્ષેપ કરવાને બદલે ભાજપે તેમનામાં રહેલા એવા લોકોને શોધવાનું કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અનંત પટેલના વાપીના ચૂંટણી પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટી તેમજ કરણી સેનાના આગેવાનોએ સાથ સહકાર આપવાની ખાતરી આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના શહેર અને ગ્રામ્ય પ્રમુખ, વિપક્ષી નેતાઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.