પોરબંદર : પોરબંદરની એમ.કે ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં તા.23/1/2024 ના રોજ 26 પ્રવાસી શિક્ષકોને નિયામક દ્વારા છૂટા કરી દેવાતા સ્કુલમાં અભ્યાસ કરતા 1100 થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ડહોળાઇ રહ્યું હતું. સાથોસાથ વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતાં. ત્યારે તા.25/01/2024 ના રોજ ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ દ્વારા નિયામક કચેરી ખાતે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.
ઇંગ્લિશ મિડિયમમાં ગુજરાતી શિક્ષકો મૂકાયાં હતાં : જેમાં તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ નિર્ણય લેવાયો ના હતો. સામે ગુજરાતી શિક્ષકો જેમની ઇંગ્લિશ મિડિયમમાં લાયકાત પણ ના હોય તમ છતાં એમ.કે ગાંધી ઇગ્લિશ મિડિયમ સ્કૂલમાં મુકાયા હતાં. જેથી વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. કેમ કે સ્થિતિ એવી સર્જાઇ હતી કે શિક્ષકો માત્ર ટીવીમાં સમજાવીને ભણાવતા હતાં તેવી ફરિયાદો થઇ હતી.
બંગડી ફેંકી હતી : પોરબંદર એનએસયુઆઈએ વાલીઓને સાથે રાખી 2 દિવસ પહેલા શિક્ષણ અધિકારી ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી ઇગ્લિશ મિડિયમના શિક્ષકો નહીં આપો ત્યાં સુધી અમે અહીંથી જઇશુ નહીં તેમ જણાવી ધરણા કર્યાં અને સાથોસાથ શિક્ષણ અધિકારી ઓફિસના ટેબલ પર બંગડીઓ પણ ફેંકી હતી અને કહ્યું હતું તમારા ઉપરી અધિકારીને કહો કે જો બાળકોનું ભલું ન વિચારી શકતા હોય તો આ બંગડીઓ પહેરી લે.
એનએસયુઆઈએ આમ કહ્યું હતું : શિક્ષણ અધિકારીને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ દ્વારા કહેવાયુ હતું જો આપ વિધાર્થીઓના હિતમાં નિર્ણય નહીં કરો તો અમને અન્ય આંદોલન કરવા માટે કોઇ રોકી શકશે નહીં. જો આપ બાળકોના હિતમાં યોગ્ય નિર્ણય કરશો તો આપનું ફૂલોથી સ્વાગત કરીશું, શિક્ષણ અધિકારી દ્વારા ખાત્રી અપાઈ હતી કે યોગ્ય નિર્ણય 2 દિવસમાં કરીશું. ત્યાકે ગઈ કાલે એમ.કે.ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં 19 શિક્ષકો અન્ય શાળામાંથી ઇગ્લિશ વિષયના શિક્ષકો નિમવામાં આવ્યા છે.
શિક્ષકો નીમાતાં પુષ્પવર્ષાથી અભિવાદન કર્યું : જેમને લઇને આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પોરબંદર એનએસયુઆઈ ટીમે ફૂલોની વર્ષાથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વાલીએ ગુલાબનું ફુલ આપી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને હિતાવહ નીવડે તેવા નિર્ણય હંમેશા કરે તેવી આશા સાથે અભિવાદન કર્યું હતું. ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ સહિત અન્ય કાર્યકરો આ સમયે હાજર રહ્યાં હતાં.