પોરબંદર: જિલ્લાના ઘેડ વિસ્તારના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા હતા. કેળ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી.
પાણી દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયું: આ ધોધમાર વરસાદને કારણે ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે ત્યારે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વાળવાના કારણે લોકો સંપર્ક વિહોણા બન્યા છે. તો માધવપુરમાં મધુવંતી નદીનું પાણી અનેક દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયું હતું.
500 મીટર સુધીના ગેટ મૂકવાની માંગ: ઘેડ પંથકના અનેક ગામોમાં પૂરનું પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવી પડે હતી, ત્યારે પાણીના કારણે માધવપુરનો મેળો જ્યાં યોજાય છે તે સ્થળ પર પણ પાણી ફરી વળ્યું હતું. ત્યારે મેળાના ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલ પુલના કારણે પાણીનો નિકાલ થતો ન હોવાથી આસપાસ પાણી ભરાયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ઉપરાંત રાતિયાના જુના રસ્તા પર પાણી ભરાઈ જતાં રાતિયા ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. આ મુશ્કેલીને નિરાકરણ રૂપે ગ્રામજનોએ હાઇવે પર 500 મીટર સુધીના ગેટ મૂકવાની માંગ કરી છે. પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં સંપર્ક કરતા અધિકારી પટેલે જણાવ્યું હતું કે, હાલ ઘેડ વિસ્તારમાં પાણી ઓસરી રહ્યું છે અને કોઈ મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું નથી.
શિયાળુ પાક લેવામાં ખેડૂતોને પડે છે મુશ્કેલી: માધવપુર ઘેડ વિસ્તારમાં આવેલા રાતીયા ગામના લાખાભાઈ જીવણભાઈ મોરીએ જણાવ્યું હતું કે, "વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જાય છે અને નદીઓમાં પૂર આવે છે ત્યારે ખેતરમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ આ પાણી ઓસી જાય ત્યારબાદ શિયાળામાં શિયાળુ પાક લઈ શકાતા નથી. દરિયાનું ખારુ પાણી નદીમાં ભેળવાઈ જાય છે અને વાવેતર દિવાળી બાદ થાય છે, ત્યારે ખેડૂતોને શિયાળુ પાક લેવામાં તકલીફ થાય છે આથી તંત્ર આ બાબતે ધ્યાન લે તેવી વિનંતી કરી હતી.
ક્ષાર અંકુશ વિભાગની કામગિરી માત્ર કાગળ પર: સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષાર અંકુશ વિભાગ દ્વારા માત્ર ને માત્ર કાગળ પર જ કામગીરી થતી હોય તેવું હાલ લાગી રહ્યું છે. ક્ષાર અંકુશ વિભાગ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં સક્રિય નથી અને કોઈપણ પ્રકારની નક્કર કામગીરી ન થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.