પોરબંદરઃ વર્ષ 2017માં પોરબંદરના દરિયામાંથી 1445 કિગ્રા હેરોઈન અને મોર્ફિનના કુલ 1526 પેકેટ ઝડપાયા હતા. પોલીસે આ મામલે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પૈકી 3 ના મૃત્યુ થઈ ચૂક્યા છે. બાકીના 10 આરોપીઓને પોરબંદર કોર્ટે 10થી 20 વર્ષની કેદની સજા ફટકારી છે. જેમાં 6 આરોપીઓને 20 વર્ષ અને 4 આરોપીઓને 10 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સ્પે. જજ (એન.ડી.પી.એસ.) અને એડીશનલ સેશન જજ પી. એચ. શર્માએ આ ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ પી પી ભાગ્યોદય મિશ્રા ચુકાદા વખતે હાજર ન હોવા છતાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો છે. પોરબંદરની કોર્ટના આ ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
10 વર્ષની કેદઃ અત્યંત ચકચારી બનેલા આ કેસમાં પોરબંદર જિલ્લા કોર્ટે 6 આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત દરેક આરોપીઓને 1 લાખ રુપિયા દંડ પેટે પણ ભરવાની સજા કરાઈ છે. જો દંડ ન ભરે તો આ આરોપીઓએ બીજા 5 વર્ષ કેદ ભોગવવી પડશે. 20 વર્ષની સજા મળેલ આરોપીઓમાં સુપ્રિત તીવારી, સંજય યાદવ, દેવેશકુમાર, મુનીશકુમાર, વિનય યાદવ અને મનીશ પટેલનો સમાવેશ થાય છે. આ આરોપીઓને આઈપીસીની કલમ-૨૩૫ (૨) અને ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એકટની કલમ-૮(સી) સાથે ર૧(સી) અંતર્ગત સજા ફટકારવામાં આવી છે.
20 વર્ષની કેદઃ પોરબંદર જિલ્લા કોર્ટે 6 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારવા સાથે આ ગુનામાં સંકળાયેલ અન્ય 4 આરોપીઓને 10 વર્ષની કેદ અને 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. 10 વર્ષની સજા મેળવનાર આરોપીઓમાં સુજીત તિવારી, વિશાલ યાદવ, સુલેમાન સીદીક ભડેલા, સાઉદ અસલમ હસનમીયા પટેલનો સમાવેશ થાય છે. આ આરોપીઓને આઈપીસીની કલમ-૨૩૫ (૨) અને ધી નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એકટની કલમ-૮(સી), ર૧(સી) કલમ-23(સી), કલમ-25 અને કલમ29 અંતર્ગત સજા ફટકારવામાં આવી છે. આ આરોપીઓ દંડ ન ભરે તો તેમણે બીજા 2 વર્ષ અને 6 મહિના કેદ ભોગવવી પડશે.
મૃતક આરોપીઃ આ કેસની ન્યાયિક કાર્યવાહીના સમયગાળા દરમિયાન કુલ 3 આરોપીઓના મૃત્યુ થયા હતા. જેમાં અનુરાગ શર્મા, દિનેશકુમાર યાદવ તેમજ ઈરફાન શેખનો સમાવેશ થાય છે. આ આરોપીઓ મૃત્યુ પામતા તેમની વિરુદ્ધ કેસ એબેટ કરવામાં આવ્યો છે.