સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 નજીક આવેલા કઠવાડા ગામે થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનામાં પોલીસે મૃતકના સળગેલા કપડાં,પાકીટ વગેરે મળતા તેની ઓળખ થઈ હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કરાયેલ તપાસમાં આ શખ્સની હત્યા નહીં પણ આત્મહત્યા કરી હોવાની શક્યતાઓ પ્રબળ બની છે.
સળગેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કઠવાડા ગામની સીમમાં નેશનલ હાઇવે 48 ની લગોલગ ખુલ્લી જગ્યામાં એક સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતકની ઓળખ થતા જ કોસંબા પોલીસે તેના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી અને તેઓને બોલાવી મૃતકની લાશનું પેનલ પીએમ કરાવ્યું હતું.
હત્યા કે આત્મહત્યા ?: જેમાં મૃતક જ્યારે સળગ્યો હતો ત્યારે જીવિત હતો અને ગંભીર રીતે સળગી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પ્રશ્ન હવે એ પેદા થાય છે કે, યુવકની જો હત્યા થઈ હોય તો તે કોણે કરી ? અથવા યુવકે જાતે સળગીને આત્મહત્યા કરી તો, ક્યાં કારણસર ? આ પ્રશ્ન શોધવા પોલીસ મથામણ કરી રહી છે. પોલીસે પ્રાથમિક ફરિયાદમાં આ કોઈ ઇરાદાપૂર્વક કાવતરું નથી ને ? યુવકને જાનથી મારી નાખવા માટે જ્વલનશીલ પદાર્થ નાખી તેને સળગાવી પુરાવાનો નાશ કરવા માટે લાશ અહીં ફેંકી ગયાની થીયરી સાથે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી: હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ કોસંબા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને લાશ જે જગ્યાએથી મળી હતી તેનાથી અંદાજિત 500 ફૂટ દૂર ખેતરમાંથી યુવકના સળગેલા કપડાં,પાકીટ,મોબાઈલ વગેરે મળી આવ્યા હતા. જેથી યુવક આ જગ્યાએ સળગીને ત્યાંથી હાઈવે તરફ દોડયો હોવાનું પોલીસ અનુમાન લગાવ્યું છે. પોલીસે એફએસએલની મદદથી ઘટના સ્થળેથી યુવકના કપડા અને માટીના સેમ્પલ વગેરે કલેક્ટ કર્યા છે, જેના ઉપરથી યુવક કયા જવેલનશીલ પદાર્થથી સળગ્યો છે તે જાણવા મળશે. ઘટના સ્થળેથી પોલીસને સફેદ પ્લાસ્ટિકની ડબ્બીના બે ઢાંકણ મળ્યા હતા અને પોલીસના જણાવ્યા પ્રમાણે આ ડબ્બી ઘટના સ્થળે જ સળગી ગઈ છે જે ડબ્બીમાં જવલનશીલ પદાર્થ ભર્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે.
પોલીસના હાથે લાગ્યા મજબૂત પુરાવા: પેટ્રોલ અથવા ડીઝલ હોઈ શકે છે, જે અંગે પોલીસ આ ડબ્બીમાં જ્વલનશીલ પદાર્થ યુવક લાવ્યો કે, અન્ય કોઈ ઈસમ લઈને આવ્યો તે અંગે આજુબાજુના પેટ્રોલ પંપ પર સીસીટીવીની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે હાલ સામે આવેલા સીસીટીવી ફૂટેજ ને જોતા યુવકે આત્મહત્યા કર્યાની પ્રબળ શક્યતા છે. મૃતક બ્રિજેશ વરાછા વિસ્તારમાં ચાલતો જાય છે અને એક દુકાન સાલ ખરીદે છે અને ત્યાંથી કામરેજ તરફ આવે છે.રીક્ષામાં બેસી ભરૂચના વાલિયા નજીક એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં પેટ્રોલ લે છે અને ત્યાંથી રીક્ષામાં બેસી માંગરોળના નદાવ ચારરસ્તા નજીક આવે છે.હાથમાં રહેલ પેટ્રોલના કેરબા થી હત્યા નહિ પણ યુવકે આત્મ હત્યા કરી હોવાનું શંકા પ્રબળ બની હતી.
'કોસંબા પોલીસની હદમાં સુરતના હીરા દલાલ બ્રીજશ હિરાણીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે બોડી જોતા સૌ પ્રથમ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મૃતદેહનું પેનલ પીએમ પણ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની તપાસ શરૂ છે'. - એમ.કે.સ્વામી, PI,કોસંબા પોલીસ મથક