રાજકોટ : "રાજકોટમાં પોલીસ ભ્રષ્ટાચારી બની છે. જે કેસમાંથી પૈસા ન મળે તે કેસમાં પોલીસ કામ કરતી નથી. શહેરમાં બેફામ દારૂ અને ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે, પોલીસ તેમાં ભાગીદાર બનીને કામ કરવાની છૂટ આપી રહી છે. અરજદાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા જાય તો તેની એફઆઇઆર નોંધાતી નથી" આ તમામ ગંભીર આક્ષેપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપોને નકારી રાજકોટ પોલીસની કામગીરીનું સરવૈયું રજૂ કર્યું હતું.
પોલીસની કામગીરીનું સરવૈયું : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી પર કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. તમામ લોકો જાણે છે કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું એક મુખ્ય શહેર છે. ગયા વર્ષે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા કોઈ મોટા પ્રશ્નનો થયા નથી. ઉતરાયણ, હોળી, દિવાળી, જન્માષ્ટમી અને ઈદ સહિતના મોટા તહેવારોની લોકોએ ઉજવણી કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસનો પણ કાર્યક્રમ હતો. પોલીસ દ્વારા આ તમામ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ પોલીસ દ્વારા ક્રાઇમના કોઈ એવા મોટા કેસના ભેદ ઉકેલાયા ન હોય તેવી પણ વાત નથી.
પૂર્વ ધારાસભ્યના આક્ષેપ નકાર્યા : તાજેતરમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વાય. બી. જાડેજાએ એક કેસમાં પૈસા લીધા હોવાની વાતને કારણે તેમની સિંગલ ઓર્ડરથી બદલી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો હતો. આ મામલે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ બાબતની જાણ મીડિયા દ્વારા અમને થઈ છે. પરંતુ કોર્ટ દ્વારા અમને કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી આપવામાં આવી નથી. જ્યારે અમને ઇન્કવાયરી આપવામાં આવશે ત્યારે અમે આ મામલે ચોક્કસ તપાસ કરીશું.
ગાંજો-દારુના કેસ પર કાર્યવાહી : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું કે, શહેરના અલગ અલગ વિસ્તારમાં ગાંજો અને દારૂ વેચાય છે તેમ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડીને કામગીરી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કામગીરી નથી કરતું, પરંતુ અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. પૂરતો સ્ટાફ સાથે રાખીને અમારે જે પણ કામગીરી કરવાની થતી હોય તે તમામ કામગીરી અમે કરી રહ્યા છીએ.
પોલીસ કમિશનરનો સીધો જબાવ : ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઇન્દ્રનીલ રાજ્યગુરુના આરોપોને નકારવામાં આવ્યા હતા. ઉપરાંત એક વર્ષ દરમિયાન પોલીસે કયા કયા પ્રકારની કામગીરી કરી તેની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી.