રાજકોટઃ વડાપ્રધાન મોદી આજે 250 બેડ્સ ધરાવતા રાજકોટ એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. પીએમ દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ એઇમ્સ ખાતે હેલિકોપ્ટરમાં આવી પહોંચશે. પીએમ મોદીના કાર્યક્રમમાં ગુજરાતના નામાંકીત કલાકારો પણ લોકડાયરાની મોજ કરાવવાના છે. ત્યારબાદ વડાપ્રધાન રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવશે.
રાજકોટ એઈમ્સ દ્વારા માહિતી અપાઈઃ વડાપ્રધાનના મોદીના કાર્યક્રમ સંદર્ભે આજે રાજકોટ એઈમ્સ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. પીએમ મોદી રાજકોટ એઈમ્સ પરિસરમાંથી ગુજરાત ઉપરાંત રાજ્યોની કુલ 5 એઈમ્સ હોસ્પિટલ્સનું લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી રાજકોટ એઈમ્સ ખાતે બપોરે 2 વાગ્યાની આસપાસ દ્વારકાથી આવી પહોંચશે. ત્યારબાદ તેઓ 20થી 25 મિનિટ રોકાણ કરશે. જેમાં તેઓ રાજકોટ એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન રાજકોટ એઈમ્સની કામગીરીઓનું નિરીક્ષણ પણ કરશે.
1 વર્ષ હજૂ લાગશેઃ રાજકોટ એઈમ્સ નિર્માણની કામગીરી કોરોના આવ્યાના એક વર્ષ અગાઉ શરૂ થઈ હતી. જ્યારે આખો પ્રોજેક્ટ રૂ 1200 કરોડના ખર્ચે તૈયાર થશે. હાલમાં રાજકોટ એઈમ્સ ખાતે દર્દીઓને OPD સારવાર આપવામાં આવી રહી છે. તેમજ અહીં મેડિકલ કોલેજ પણ કાર્યરત છે. હજૂ કોઈ સ્પેશિયલ વિભાગ શરૂ કરવામાં આવ્યા નથી પરંતુ IPD વિભાગના લોકાર્પણ બાદ અહીં દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા શરુ થશે. તેમજ વિવિધ રીપોર્ટ પણ થઈ શકશે. આ સાથે જ દર્દીઓના ઓપરેશન પણ કરવામાં આવશે. અત્યારે 2 ઓપરેશન થીયેટર સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યા છે. જે પીએમના કાર્યક્રમ બાદ શરૂ કરાશે. જ્યારે આ આખી એઈમ્સ શરૂ થતાં હજુ પણ એકાદ વર્ષનો સમય લાગે તેવી શક્યતાઓ છે.
રોડ શોઃ પીએમ મોદી રાજકોટ એઈમ્સથી જૂના એરપોર્ટ પર હેલિકોપ્ટર મારફતે જશે. જૂના એરપોર્ટેથી બપોરે 3 કલાકે પીએમ મોદી રોડ શો કરશે. આ રોડ શો સંદર્ભે રાજકોટ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શો રૂટ પર પીએમ મોદીને આવકારવા અલગ અલગ સંસ્થાના લોકો રસ્તા પર જોવા મળશે. આ રોડ શોમાં અંદાજિત 20 હજારથી વધુ લોકો ઉમટી પડવાની શક્યતાઓ છે.