જુનાગઢ: આકરી અને અકડાવનારી ગરમીની વચ્ચે સમગ્ર ગુજરાતની માનવજાત ત્રાહિમામ પોકારી ઊઠી છે, ત્યારે આ ગરમીમાં મૂંગા પશુઓની હાલત પણ ખૂબ જ ખરાબ બનતી હોય છે. ત્યારે ગરમીના આ સમયમાં કોઈપણ વ્યક્તિએ પોતાના ઘરે રહેલા પાલતુ પશુ કે પ્રાણીનું ખાસ ધ્યાન રાખીને ગરમીના દિવસોમાં વિશેષ કાળજી થકી તેમના પશુ કે પ્રાણીને ગરમીથી બચાવવા જોઈએ. તો જાણો જુનાગઢના તબિયત ડો. મિથુન ખાટરીયા પાસેથી ઉપાયો.
પાલતુ પશુઓનું રાખશો ધ્યાન: ઉનાળાની આકરી ગરમી પશુ અને પ્રાણીઓ માટે પણ ખૂબ જ વિપરીત સમય માનવામાં આવી રહ્યો છે. ગરમીના આ સમય દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ જેટલી કાળજી તેમની અને તેમના પરિવારની રાખવામાં આવતી હોય છે, તેનાથી પણ વધારે કાળજી પાલતુ પશુઓની રાખવી પડતી હોય છે. ઉનાળા દરમિયાન ખાસ કરીને શ્વાન અને બિલાડીની વિશેષ કાળજી રાખવામાં આવે તો હીટ સ્ટોકની વચ્ચે તેમની તંદુરસ્તી વધુ સારી રીતે જાળવી શકાય છે.
પાલતુ પશુ કે પ્રાણીને નથી હોતી પ્રસ્વેદ ગ્રંથિ: પાલતુ પશુ કે પ્રાણીની પ્રસવેદ ગ્રંથિ નહીં હોવાને કારણે પણ આવા પશુઓની ઉનાળામાં વિશેષ દરકાર રાખવાની ફરજ તેના માલિકની હોય છે. ખૂબ જ આકરી ગરમીના દિવસોમાં સ્વાન કે બિલાડી હાફીને શરીરને ઠંડું રાખવાનો પ્રયાસ કરે છે, આવા સમયે પાલતુ પશુ કે પ્રાણીને પૂરતા પ્રમાણમાં ઠંડક મળી રહે તે પ્રકારની વ્યવસ્થા વાતાનુકુલિત કુલર કે પંખા દ્વારા કરવી જોઈએ. વધુમાં આ દિવસો દરમિયાન પાલતુ શ્વાન કે બિલાડીને છાશ અને પ્રવાહીની સાથે પાણી તેમજ એવા ફળ આપવા જોઈએ, કે જેમાં પાણી અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય. જેથી ગરમીના આ દિવસો દરમિયાન પશુ પોતાની જાતને કુદરતી રીતે ગરમી સામે રક્ષણ મેળવીને તેમના શરીરને ઠંડું રાખી શકે.
પ્રવાસ ટાળવો જોઈએ: ઉનાળાના આ દિવસો દરમિયાન કોઈપણ વ્યક્તિએ પોતાના પાલતુ પશુ સાથે પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. વધુમાં પાલતુ પ્રાણીને કારમાં રાખવું એ તબીબોના હિસાબે ખૂબ જ ગંભીર બાબત છે. સામાન્ય રીતે માર્ગ પર જે તાપમાન હોય છે તેના કરતાં કારની અંદરનું તાપમાન 7 થી 8 ડિગ્રી વધારે હોય છે. જેથી ઉનાળાના આ દિવસો દરમિયાન કોઇ પણ પાલતુ પ્રાણી કે પશુ જો કારમાં 15 કે 20 મિનિટ સુધી રાખવામા આવે તો આટલા સમય દરમિયાન તેમનું મોત પણ થઈ શકે છે.