ભરૂચ: જંબુસર તાલુકાનું માત્ર 5 હજાર જેટલી વસ્તી ધરાવતું ખાનપુર દેહ ગામના લોકોએ વિકાસનો માત્ર શબ્દ સાંભળ્યો છે, પરંતુ વિકાસ કેવો હોય તે ગામ લોકોને ખબર નથી. ખાનપુર દેહથી લઈને જંબુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલત હોવાના કારણે ગામલોકોએ આ અંગેની રજૂઆત ધારાસભ્ય, PWD વિભાગના અધિકારી સહીત ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. છતાં પણ આજદિન સુધી તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી.
બે વર્ષથી મંજુર થયો રોડ પણ મુહૂર્ત નહીં: બે વર્ષ થી રોડ મંજુર થવા છતાં રોડ બનવવામાં કોન્ટ્રાકટર તરફથી કોઈપણ કામગીરી હાથ ધરાતી નથી. છેલ્લા કેટલાય મહિનાઓથી કોન્ટ્રાકટર દ્વારા ગામમાં મશીનરી પણ મુકવામા આવી છે. તેમ છતાં પણ કામગીરી શરૂ ન થતાં ગ્રામજનોમા રોષની લાગણી પ્રવર્તી રહી છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, રોડ નહીં તો વોટ નહીં. આ માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનુ ગ્રામજનોએ નક્કી કર્યું છે. તંત્ર પર રોષે ભરાયેલા ગામ લોકોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એટલું જ નહીં ગામમા પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરી હતી.
ગ્રામજનોએ કરી રજૂઆત: ગામ લોકોના રોષને જોતા આજે માજી સરપંચ રસીદભાઈ પટેલ (મચ્છીવાલા) ની રાહબરી હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો જંબુસર પ્રાંત કચેરીએ આવ્યા હતા અને પ્રાંત અધિકારી એમ.બી.પટેલને આવેદનપત્ર પાઠવીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ખાનપુર ગામના ગ્રામજનોનો તબીબ ક્ષેત્ર સહિત તમામ વ્યવહાર તાલુકા મથક જંબુસર સાથે જોડાયેલો છે. ખાનપુર ગામ થી જંબુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલતમા હોય બિમાર દર્દીઓ, પ્રસુતા, વૃદ્ધોને આવવા જવામા મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.
રોડ નહીં તો વોટ નહીં: ખાનપુર જંબુસર વચ્ચે પેસેન્જરમા ફરતી રિક્ષાના ચાલકોને બિસ્માર રોડના કારણે રિક્ષામા નુકશાન થઈ રહ્યું છે તેમજ અનેક વાહનચાલકોને પણ ખરાબ રોડના કારણે મુશ્કેલી નડી રહી છે. આ સમસ્યાઓના ઉકેલ માટે તાકીદે રોડનું કામ શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે કામ શરૂ નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તથા ગામમા પ્રચાર અર્થે આવતા રાજકીય પક્ષના કાર્યકરો માટે પ્રવેશ બંધી કરી હોવાની જાણ આવેદનપત્ર દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આવી છે.
છેલ્લાં કેટલામય વર્ષોથી ખાનપુરદેહ થી જંબુસર જવાના રોડને સારી રીતે જ્યાં સુધી નહિ બનાવે ત્યાં સુધી અમારા ગામમાં કોઈપણ રાજકીય નેતાઓએ અને આગેવાનોએ પ્રવેશ કરવા નહીં દઈએ. રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. -સલીમ પટેલ,રીક્ષા ચાલક, સ્થાનિક, ખાનપુરદેહ