પાટણ : અષાઢી બીજના દિવસે ભારતભરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે બડવાવાડાના રહીશ સ્વ. શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલ કુમાર શિવશંકર નાયક અને કૃપાલીબેન અતુલકુમાર નાયક પરિવારને ભગવાનનું મામેરું કરવાનો લ્હાવો મળ્યો છે.
નાયક પરિવાર બન્યો યજમાન : નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. મામેરાના યજમાન પરિવાર અતુલભાઈ અને તેમના ધર્મપત્ની કૃપાલીબેને ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજવસ્તુઓની માહિતી આપી હતી. નાયક પરિવારે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની કૃપાથી આ વર્ષે અમને ભગવાનનું મામેરું કરવાનો લ્હાવો પ્રાપ્ત થયો છે. તેને લઈને અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન ભવ્ય મામેરૂ : ભગવાનના મામેરામાં રૂ.1,82,111 રોકડ, 1 કિલોગ્રામ ચાંદી, 1 સોનાની ચૂક, 5 હીરાજડિત મૂગટ, 5 મોતીના હાર, 5 જોડી વાઘા, 3 મખમલની ગાદી, 1 પિછવાઈ, 3 જોડ મોજડી, 1 જોડ પાયલ, બાજુબંધ, કંદોરો, 3 પીતાંબર, ટુવાલ, સાફી, ભગવાનના વસ્ત્રો, અલંકારો, કોસ્મેટીક વસ્તુઓ, સ્પ્રે, મીઠાઈ, ફળ, સૂકો મેવો, તેજાના મસાલા, મુખવાસ, પૂજારી તથા ગોરાણીના કપડા, ભગવાનના શયનવસ્ત્ર, ભગવાન પરશુરામ અને મહાદેવના વસ્ત્ર શણગાર હશે.
નગરજનોને આમંત્રણ : યજમાન નાયક પરિવાર દ્વારા ભગવાનનું અંદાજીત રૂ. 5 લાખથી વધુના ખર્ચ સાથે ભવ્યાતિ ભવ્ય મામેરૂ ભરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાને અનુલક્ષી ભરવામાં આવનાર મામેરા પ્રસંગમાં પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.