પાટણ : પાટણ,બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઘર ફોડ અને વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી તરખાટ મચાવી છેલ્લા છ મહિનામાં 38 જેટલા ગુનાઓને અંજામ આપનાર ચોર ટોળકી પકડાઇ છે. બજાણીયા ગેંગના સાત રીઢા ગુનેગારોને પાટણ એલસીબી પોલીસે ખોડાભા હોલ પાસેથી છકડો રીક્ષા સાથે ઝડપી લઇ તેઓની પાસેથી 3,32,860 નો મુદ્દામાલ કબજે કરી તેઓના બેન્ક સેવિંગ ખાતા અને ડેબિટ કાર્ડ ફ્રિજ કરાવ્યા હતાં.
સાત રીઢા ગુનેગારોને પકડ્યા : પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરી, દૂધ મંડળીઓ, દુકાનો તેમજ રહેણાંક મકાનોમાં ચોરીના બનાવો બનવા પામ્યા હતા. જેમાં કેટલાક બનાવોમાં ઘરફોડ ચોરી બાદ ચોરેલા વાહનો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવોની ફરિયાદ હારીજ, સરસ્વતી, બાલીસણા અને પાટણ શહેરના પોલીસ મથકોમાં નોંધાતા આ ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ સૂચનાઓ આપી હતી.
ચોર ટોળકી પકડવા કાર્યવાહી તેજ બનાવાઇ : જેને લઇ પાટણ એલસીબી પોલીસે આવા ચોરીવાળા સ્થળોનું નિરીક્ષણ કરી આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા અને પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા. દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે બજાણીયા ગેંગના ઈસમો પાટણ આજુબાજુના કોઈ ગામમાં ચોરી કરવાના ઇરાદે આવી રહ્યા છે. જે બાતમી આધારે એલસીબી પોલીસે પાટણ ઊંઝા હાઈવે રોડ ઉપર ખોડાભા હોલ પાસે વોચ ગોઠવી હતી.
એલસીબી કચેરીએ લાવી સઘન પૂછપરછ : દરમિયાન વાદળી કલરના શંકાસ્પદ છકડો નં.Gj 09 AX 3928 પસાર થતા પોલીસે તેને રોકી સાધનના કાગળો માંગતા તે ચોરીનું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. છકડામાં બેઠેલા 7 શખ્સોની પોલીસે અટકાયત કરી એલસીબી કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતા તેઓએ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, જિલ્લાઓમાં ઘર ફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરતા પોલીસ ચોકી ઉઠી હતી અને તેઓની પાસેથી રોકડ રકમ, ચાંદીના દાગીના, 8 મોબાઇલ, એક બાઈક, છકડો મળી કુલ રૂપિયા 3,42, 860 નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીના રૂપિયા બેક ખાતાઓમાં જમા કરાવતા : ઝડપાયેલા બજાણીયા ગેંગના આ આરોપીઓ ચોરી કર્યા બાદ રોકડ રકમ કેનેરા બેન્ક તેમજ બેંક ઓફ બરોડાના સેવિંગ ખાતાઓમાં જમા કરાવતા હતા. ચોરીના આવા રૂપિયા 92,217 હાલ બેંક ખાતામાંઓમા જમા હોઈ આ બંને બેંક ખાતાઓ તેમજ ડેબિટ કાર્ડ પોલીસે ફ્રીજ કરાવ્યા છે. ઉપરાંત આઠ જેટલા બાઇક ચોરી કરી બિનવારસી હાલતમાં મુકેલા હોય તે કબજે કરી મૂળ માલિકોને પરત કરવાની તજવીજ હાથ ધરી છે.
ઓળખ છુપાવવા ચોરી બાદ કપડાં સળગાવી દેતા : ચોરી કરવામાં માહિર એવી બજાણીયા ગેંગના આ રીઢા ગુનેગારો રાત્રિના સમયે ઘરેથી નીકળી એસટી બસોમાં મુસાફરી કરી મહેસાણા, બનાસકાંઠા અને પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જતા હતા અને પોતાની પાસે રહેલ માસ્ટર ચાવીથી બાઈક તથા રીક્ષાઓની ચોરી કરી આજુબાજુના ગામડાઓમાં જઈ દૂધ મંડળીઓ દુકાનો તેમજ મકાનોમાં ચોરી કરી રોકડ રકમ તથા જોડેલો માલ સામાન બાઇકો ઉપર લઈ નીકળી જતા હતાં. ત્યારબાદ ચોરેલા વાહનોમાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં વાહનો મૂકીને જતા રહેતા હતાં. ચોરી દરમિયાન પોતાની ઓળખ છુપાવવા હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હતા તેમ જ ચોરી દરમિયાન પહેલા કપડાં ચોરી બાદ અવળી જગ્યાએ ફેંકી અથવા સળગાવી દેતા હતા અને આ વિસ્તારમાં ઘર કે ખુલ્લી જગ્યામાં સુકવેલા કપડાઓની ચોરી કરી તે પહેરી લેતા હતાં.
ગાંધીનગર એ સાબરકાંઠામાં પણ મચાવ્યો હતો તરખાટ : અત્રે ઉલ્લેખનીય છે કે બજાણીયા ગેંગના આ ગુનેગારોએ વર્ષ 2017 થી 2022 સુધીમાં સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં અનેક ઘડપણ ચોરી અને વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપી ભારે તરખાટ મચાવી પોલીસને દોડતી કરી હતી તે સમયે પોલીસે આ ગેંગને સાણસામા લઈ દબોચી લીધી હતી. જેથી આ જિલ્લાઓમાં આ ગેંગ કુખ્યાત બનતા તેઓએ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં ફરી ચોરીઓનો સિલસિલો શરૂ કરી પોલીસને દોડતી કરી હતી.