જામનગર: પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં પણ અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હવે ભાજપના નેતાઓ ને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર નહીં કરવા દેવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જામનગરના મોટા વાગુદડ ગામે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ના કપાઈ ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે: રાજપૂત સમાજની એક જ માંગ છે કે કોઈપણ ભોગે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાવી જોઈએ જો ટિકિટ નહીં કપાય તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઊચારવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જામનગરમાં રાજપૂત સમાજ ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં કોઈપણ ભાજપના નેતાએ ગામમાં પ્રસાર કરવા આવવાની મનાઇ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. પરશોત્તમ રુપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો, હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું.
રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ: જો કે રાજપૂત સમાજે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય તેમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે જો તેમણે માફી માંગવી હોય તો ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક મહાસંમેલન બોલાવી અને જાહેરમાં માફી માંગવી પડશે.