જૂનાગઢ: 30 મેની મધ્ય રાત્રે જૂનાગઢના યુવાન સંજય સોલંકી પર કેટલાક અજાણ્યા ઇસમોએ અપહરણ કરીને માર મારવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ બહાર આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા ગુનામાં સામેલ 3 આરોપીઓને જસદણથી જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા છે.
અપહરણના ગુનામાં 3 આરોપી પકડાયા: ગત 30 અને 31 મેના મધ્યરાત્રી અને વહેલી સવારે જુનાગઢના કાળવા ચોક વિસ્તારમાં સંજય સોલંકી નામના યુવાન પર કાર ચલાવવા જેવી સામાન્ય બાબતે કાળવા ચોકમાં માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલો રાત્રિના 3 વાગ્યાની આસપાસ અપહરણમાં બદલાયો હતો. સંજય સોલંકીનું અપહરણ કરીને કેટલાક લોકો તેને ગોંડલ તરફ લઈ જઈને નગ્ન અવસ્થામાં માર મારીને જૂનાગઢની ભેંસાણ ચોકડી તરફ ફેંકી ગયા હતા. સંજય સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા જેમાં મુખ્ય આરોપી તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સોલંકીના પુત્ર ગણેશ સોલંકીનું નામ બહાર આવ્યું હતું.
જસદણના ત્રણ આરોપી પકડાયા: સમગ્ર મામલામાં મુખ્ય આરોપી તરીકે ગણેશ જયરાજસિંહ જાડેજાનું નામ ફરિયાદી સંજય સોલંકીએ લખાવ્યું છે. ફરિયાદમાં અજાણ્યા 8 થી 10 લોકોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ત્યારે હાલ પોલીસની પકડમાં રહેલા અતુલ કઠેરીયા, ફૈઝલ પરમાર અને ઈકબાલ ગોગદા અને બીજા ઇસમો દ્વારા રાત્રિના સમયે ફરિયાદીનું અપહરણ કરાયું અને તેને માર મારવામાં આવ્યો હતો.
3 આરોપીઓને ખાસ જસદણથી બોલાવ્યા: આ ત્રણેય લોકો શામેલ હોવાની વિગતો મળી આવતા જૂનાગઢ પોલીસે આ ત્રણેય ઈસમોની રાજકોટના જસદણ ખાતેથી અટકાયત કરી છે. રાત્રિના સમયે જ્યારે સંજય સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે માથાકૂટ થઈ ત્યારબાદ ગણેશ સોલંકીના કેટલાક ટેકેદારો દ્વારા આ ત્રણેય વ્યક્તિને ખાસ જસદણથી બોલાવ્યા હતા અને ફરિયાદીના અપહરણમાં તેઓ સામેલ હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મુખ્ય આરોપી હજુ પોલીસ પકડતી બહાર: મુખ્ય આરોપી ગણેશ જાડેજાને સમગ્ર મામલામાં પોલીસ ચોપડે ફરાર આરોપી દર્શાવવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસે પણ મુખ્ય આરોપીને પકડવા માટે ગોંડલ પોલીસને પણ સતર્ક રહેવા અને મુખ્ય આરોપીને પકડી પાડવા ગોંડલ પોલીસની પણ મદદ લેવાઈ રહી છે ફરિયાદી સંજય સોલંકી દ્વારા મુખ્ય આરોપી તરીકે ગણેશ જાડેજાના નામની ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગણેશ જાડેજાના રહેવાની સંભવિત જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.