મહેસાણા : એકના ડબલ રૂપિયા કોને નથી જોઈતા ? ઝડપી રૂપિયા કમાવી લેવાની લ્હાયમાં ઘણા લોકો મૂડી પણ ખોઈ બેસે છે. આવું જ કંઈક મહેસાણામાં બન્યું છે. એક વેપારીને કેટલાક શખ્સોએ ટૂંક સમયમાં રૂપિયા ડબલ અને એ પણ ડોલરમાં કરી દેવાની સ્કીમ આપી દોઢ કરોડની ઠગાઈ કરી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદી ભાવેશ દવેએ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચાર ભેજાબાજ ઠગ વિરુદ્ધ ફરિયાદ : મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદી ભાવેશ દવેએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં બનાસકાંઠાના અશોક ગોબરભાઈ સોલંકી, પાટણના સવાજી શબાજી જગાણી, મહેસાણાના યોગેશકુમાર ડાયાભાઈ પ્રજાપતિ અને જયપુરના શરીફ શબા ઉર્ફે ડોક્ટર શાહબાઝ એમ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
એકના ડબલ કરવાની લાલચ : આ ચાર શખ્સો પૈકી એજન્ટ અસીમ સોલંકી અને કંપનીના MD શરીફ શબા ઉર્ફે ડોક્ટર શાહબાઝ મળી ચારેય શખ્સોએ સેઇફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવી 2023 માં રશિયામાં કંપનીનું સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીસના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે કંપનીમાં ફરિયાદી અને રોકાણકારોના કુલ દોઢ કરોડ રોકાણ કરવામાં આવ્યા હતા. ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક મોકલી રોકાણ બતાવી એકના ડબલ બતાવ્યા હતા.
દોઢ કરોડની છેતરપિંડી : જોકે, આરોપીઓએ ફરિયાદી અને ગ્રાહકોના યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા પણ ઉપાડી લીધા હતા. ઉપરાંત કંપનીના ચાર્ટ મુજબનું વળતર આપ્યું જ નહીં. આમ, મૂડી અને વળતર નહીં આપતા આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં નોંધાયેલ ફરિયાદ મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કાર્યવાહી : મહેસાણા તાલુકા પોલીસના PI જે. પી. સોલંકીએ જણાવ્યું કે, 4 આરોપીઓ પૈકી બનાસકાંઠા, પાટણ , મહેસાણા અને એક આરોપી રાજસ્થાનનો છે. એટલે કે એવું નથી કોઈ બીજા રાજ્યના કે વિદેશની કોઈ ટોળકી ઓનલાઇન છેતરી ગઈ હશે. આ તો નજીકના જ જિલ્લાના અને રૂબરૂ મળી ચૂકેલા ઠગો જ ઠગી ગયા છે. જેને લઇને વેપારી ભાવેશ દવેએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી છે.