રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા શહેરના કે.કે.વી ચોક, કાલાવડ રોડ પર નવનિર્મિત કોટેચા ચોકથી આત્મીય યુનીવર્સીટી તરફ જતા સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરના પ્રથમ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું "શ્રી રામ બ્રીજ" તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે બ્રિજના નામકરણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિતના દિગ્ગજો ગરબે રમ્યા હતા. જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેને લઇને રાજકોટમાં પણ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
દેશમાં હાલ દિવાળી જેવો માહોલ સર્જાયો
જ્યારે કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજર રહેલા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મીડિયા સાથેની જણાવ્યું હતું કે, 500વર્ષ બાદ આજે ભગવાન શ્રી રામ લલ્લા અયોધ્યા પધારી રહ્યા છે, અને અયોધ્યામાં નિર્માણ પામેલા અભૂતપૂર્વ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઇ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં અદભૂત હર્ષોલ્લાસ અને દિવાળીનો માહોલ સર્જાયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર નવનિર્મિત આ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ પણ એક સેતુ જ છે ત્યારે ભગવાન શ્રી રામે લંકા જવા માટે “રામ સેતુ”નું નિર્માણ કરેલ હતું તે યાદ આવે છે. જ્યારે જ્યારે લોકો કાલાવડ રોડ પરના આ “ શ્રી રામ બ્રિજ” પરથી પસાર થશે ત્યારે તેઓ ભગવાન શ્રી રામને યાદ કરશે. આ બ્રિજને “શ્રી રામ બ્રિજ” નામકરણનો નિર્ણય કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકા અને તેના પદાધિકારીઓ અને અધિકારીઓ અભિનંદનને પાત્ર છે.
મનપા દ્વારા રૂ.129.53 કરોડના ખર્ચે કરાયું છે બ્રીજનું નિર્માણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રકમ રૂ. 129.53 કરોડના ખર્ચે કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પર 4 લેન (2 લેન+2લેન) મલ્ટીલેવલ ફ્લાય ઑવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે કાલાવડ રોડ પર 1152.67 મી. લંબાઈ, 15.50 મી.પહોળાઈ તથા 15 મી. ઊંચાઈએ કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સૂધી વિસ્તરલો છે. આ પ્રોજેકટથી નાગરિકો સરળતાથી પરિવહન કરી શકે છે. આ બ્રિજની વિશેષતાઓ પર દ્રષ્ટિપાત કરીએ તો, ફ્લાય ઑવર બ્રિજની બંને બાજુ 5.50 મી. થી 8.50મી.નો સર્વિસ રોડ, બ્રિજની નીચે 7500 ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વૉટર લાઈન અને સર્વિસ યુટિલીટી ડક્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.