નવસારી : નવસારી અને વિજલપોર નગર પાલિકા અલગ અલગ હતા ત્યારથી જ વિકાસ કાર્યોને લઇને વિવાદ ચાલતો રહ્યો છે. જોકે નવસારીમાં ભળ્યા બાદ પણ વિજલપોરને અન્યાય થતો હોવાની ભાવના જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ અને તેમના સમર્થકોમાં રહી છે. ત્યારે ગત રોજ વિજલપોરના ડોલી તળાવને 4 કરોડ રૂપિયાના ખર્ચે ઉંડુ કરવા સાથે તેના બ્યુટીફિકેશનના કામનું ધારાસભ્ય આર. સી. પટેલના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું.
કોન્ટ્રાકટરને ત્વરિત કામ કરવા જણાવ્યું : કાર્યક્રમમાં આર સી પટેલે ઉપસ્થિત પાલિકા પ્રમુખ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું પણ અહીં સ્વચ્છતા દેખાતી ન હોવાની ટકોર કરી હતી. સાથે જ વિજલપોરને હંમેશા અન્યાય થતો હોવાનો બળાપો કાઢી ટેન્ડર પ્રક્રિયામાં પણ વિલંબ બાદ કામ શરૂ થતા આર. સી. પટેલે કોન્ટ્રાકટર સહિત સંબંધિત અધિકારીને બોલાવી જાહેરમાં જ તેમનો ઉધડો લઇ લીધો હતો. કોન્ટ્રાકટરને 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી, કામમાં ઢીલાશ નહીં, પણ ત્વરિત કામ કરવા જણાવ્યું હતુ.
ધારાસભ્યનો દબંગ અંદાજ : સાથે જ અધિકારીને બોલાવી, તળાવના ખોદાણ દરમિયાન નીકળનારી માટી ક્યાં વપરાશે, તેમજ કચરાની શું વ્યવસ્થા થશે જેવા સવાલો પૂછવા સાથે જ તળાવના બ્યુટીફિકેશન માટે મહામહેનતે 4 કરોડ રૂપિયા લાવ્યાં હોવાનું જણાવી, ડોલી તળાવ બ્યૂટિફિકેશન ગ્રાન્ટમાંથી કોઈને પણ ટકાવારી ન અપાવા અધિકારીને ચેતવણી આપી હતી. નહીં તો પોતે અને અધિકારી સામસામે આવી જશે. આર સી પટેલે કહ્યું કે સરકારમાંથી લડીને 4 કરોડની ગ્રાન્ટ લાવ્યા છે એ કોઈને આપવા માટે નથી લાવ્યા, જેથી કોઈપણ રૂપિયો માંગે તો મને ફોન કરજો. અને જો રૂપિયો આપ્યો તો તારી ચામડી ફાડી નંખાવીશ એવી ચેતવણી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વિડીયો સંદર્ભે પ્રતિક્રિયા આપી : આ સંદર્ભે આજે ધારાસભ્ય આર. સી. પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હું કામમાં ગોબાચારી ચલાવતો નથી. જલાલપોરના રસ્તાઓ જુઓ, ચોમાસામાં પણ ધોવાઈ નથી જતા. જેથી કોન્ટ્રાકટર અને અધિકારીને બોલાવી કડક સુચના આપી છે કોઇપણ રૂપિયા માંગવા આવે તો પહેલા મને ફોન કરજો, મારે શું કરવું એનું હું વિચારીશ. કોઈપણ વ્યક્તિ હોય એની ફરિયાદ કરો, એને સીધો કરવાની તાકાત અમારી પાસે છે. જયારે વિજલપોરને અન્યાય મુદ્દે વિજલપોરને નાના ભાઈ સાથે સરખાવી, નાના ભાઈને થોડું ઘણું ઓછું જ આપતા હોય છે, એટલે કીધું કે અમને પણ વિકાસનો હક છે, ગ્રાન્ટ મળવી જોઈએ એટલે હકની વાત હોય ત્યાં લડી લેવાના મૂડમાં તો ખરા જ.