નવસારીઃ દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે દાંડીનો દરિયા કિનારો હરવા ફરવા માટેનું મુખ્ય સ્થળ બની ગયો છે. જો કે આ દરિયા કિનારે અવાર નવાર લોકો ડૂબતા હોય તેવા સમાચાર પણ સામે આવતા હોય છે. ગતરોજ દરિયામાં અચાનક ભરતી આવી જતાં 3 પરિવારના કુલ 7 સભ્યો ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. આજે 1 જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
3 પરિવારના 7 લોકો ડૂબ્યાઃ દાંડી દરિયા કાંઠે સહેલાણીઓ ન્હાવાની મોજ માણી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં અલગ અલગ 3 પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા. જેમાં 2 પરિવારના વિપુલ હળપતિ, રાકેશ અને અતિશ નામના 3 વ્યકિતને બચાવી લેવાયા હતા.
1 જ પરિવારના 4 સભ્યોના મૃત્યુઃ ગતરોજ દાંડીના દરિયા કિનારે 5000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. દરિયામાં ભરતીના સમયે અચાનક વધુ પાણી આવી જતા 6 લોકો તણાયા હતા. જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અને 4 લોકો લાપતા થઈ ગયા હતા. નવસારી ફાયર વિભાગ ટીમો સમગ્ર રાત દરમિયાન લાપતા લોકોને શોધવા માટે કામે લાગ્યા હતા આજે સવારે તમામ લાપતા 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નવસારી ગ્રામ્ય વિસ્તારના નવા તળાવ ગામે રહેતા અને મૂળ રાજસ્થાની પરિવારના માતા, 2 પુત્રો અને પુત્રી એમ 4 લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોમાં યુવરાજ (ઉ.વ.20), દેશરાજ (ઉ.વ.15) અને રાજસ્થાનથી ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા (ઉ.વ. 17)નો સમાવેશ થાય છે.
અગાઉ પણ લોકો ડૂબ્યા હતાઃ 2017માં પણ 2 યુવાનો દરિયાના પાણીમાં ડૂબીને મોતને ભેટ્યા હતા. ફરીથી એક જ પરિવારના 4 સભ્યો દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દાંડીના ઐતિહાસિક સ્થળે 150 કરોડ રૂપિયાનું દાંડી મેમોરિયલ ઊભું કર્યુ છે. ટુરિઝમ વિભાગ દ્વારા પણ વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સહેલાણીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને કોઈ વ્યવસ્થા ન કરતા વહીવટી તંત્રની બેદરકારી સામે લોકો સવાલો ઉભા કરી રહ્યા છે.
અમારા પરિવારના યુવરાજ અને દેશરાજ દરિયામાં તણાઈને ડૂબીને મૃત્યુ પામ્યા છે. બાળકોને પોતાના માતા-પિતા પ્રત્યે ખૂબ લાગણી હતી. ગઈકાલે તેઓ દાંડીમાં ફરવા માટે આવ્યાં હતા. ત્યારે પરિવારના 4 લોકો તણાયા હતા...મહેન્દ્ર ભાટી(મૃતકના પરિજન, નવસારી)
ગતરોજ 7 લોકો દાંડી દરિયાની ભરતીમાં ફસાયા હતા જેમાંથી 3 લોકોને સ્થાનિક હોમગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 4 લોકો દરિયામાં લાપતા થયા હતા. સ્થાનિક પોલીસ, નવસારી વિજલપુર નગર પાલિકાના ફાયર વિભાગની ટીમ અને એસ.ડી.આર.એફ ના સંયુક્ત ઓપરેશન દ્વારા તેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે 4 મૃતદેહો મળી આવ્યા હતા. હાલ 4 મૃતદેહોનું સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે...જનમ ઠાકોર(પ્રાંત અધિકારી)