નવસારીઃ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં નવસારીનો પારસી સમાજ પણ જોડાયો છે. 22 જાન્યુઆરીના રોજ પારસીઓ પોતાના પવિત્ર આતશ બહેરામમાં પૂજા અર્ચના કરી ભવ્ય ઉજવણી કરશે. જેમાં પવિત્ર આતશને સુખડ અર્પણ કરવામાં આવશે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને નવસારીમાં વસતો પારસી સમુદાય પણ વિશેષ ઉજવણી કરીને યાદગાર બનાવવા માંગે છે. પારસી સમુદાયે આ આયોજન દ્વારા હિન્દુ ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા રજૂ કરી છે.
અયોધ્યા મહોત્સવને આવકારઃ આજે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં પારસી ધર્મસ્થાનોમાં વિશેષ આયોજનો થશે. પારસીઓના અગિયારીઓમાં ધર્મગુરુઓ આ પ્રસંગે ધાર્મિક વિધિ કરશે તેમજ ભવ્ય રામ મંદિરની સ્થાપનાને આવકાર આપવામાં આવશે. નવસારીની વાત કરવામાં આવે તો પારસી સમુદાય દ્વારા વિશેષ હવન અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની તરોટા બજારમાં આવેલ અગિયારીમાં ખાસ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રથમવાર છે કે જ્યારે આતશ બહેરામમાં અન્ય ધર્મના મોટા પ્રસંગ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
1400 વર્ષથી ભારતમાં વસવાટઃ ભારતનો સનાતન હિંદુ ધર્મ અને પારસીઓનો જરથોસ્તી ધર્મ લગભગ સમકાલીન છે. જરથોસ્તી ધર્મ લગભગ 4000 વર્ષ જૂનો છે. જરથોસ્તી ધર્મના સિદ્ધાંતો હિન્દુ ધર્મના સિદ્ધાંતો સાથે અનેક બાબતમાં સમાન જોવા મળે છે. ભારતમાં પારસી આવ્યા ત્યારે ગુજરાતના સંજાણ બંદરે હિન્દુ રાજા જયદેવે (પારસીઓ તેમને જાદે રાણા તરીકે ઓળખાવે છે)આશરો આપ્યો હતો. લગભગ 1400 વર્ષથી પારસીઓ ભારતીય બનીને અહીં રહી રહ્યા છે. પારસીઓએ જાદે રાણાને આપેલા વચનો આજે પણ નિભાવી રહ્યા છે. દૂધમાં સાકર ભળે તેમ ભારતમાં રહીને સંપૂર્ણપણે ભારતીય બની ગયા છે. ભારતમાં રહીને પારસીઓએ હિંદુ પરંપરાનો આદરપૂર્વક સ્વીકાર કર્યો છે અને હિન્દુ ધર્મ જેવી અનેક વિધિઓ પણ અપનાવી છે. પારસીઓ હિન્દુઓની અનેક દેવી-દેવતાઓની પણ પૂજા કરે છે.
પારસીઓ ભારત આવ્યા ત્યારે અમારે આતશ બહેરામની સ્થાપના માટે રાજાની પરવાનગીની જરુર હતી. હિન્દુ રાજા જાદે રાણાએ પ્રથમ આતસ બહેરામ સ્થાપવાની પરવાનગી આપી. આજે જ્યારે હિન્દુ ધર્મમાં રામ મંદિર સ્થાપનાનો ઉત્સવ ઉજવાય છે ત્યારે આ મહોત્સવમાં પારસી સમુદાયે પણ સહભાગી થવું જોઈએ થવું જોઈએ. આ ઈરાદાને લીધે અમે અમારા આતશ બહેરામમાં ખુશાલીનું જશન એટલે કે યજ્ઞમાં સુખડ અર્પણ કરવાની વિધિ કરવાનું નક્કી કર્યું છે. આ કાર્ય કરવાથી અમે હિન્દુ ધર્મ પ્રત્યે અમારી સહિષ્ણુતા અને શુભેચ્છા વ્યક્ત કરીશું. અમે પ્રાર્થના કરીશું કે આ દેશની તમામ કોમો એકબીજા સાથે પ્રેમ અને આદર રાખી દેશને આગળ વધારે...દારા દેબુ(ટ્રસ્ટી, પારસી અંજુમન ટ્રસ્ટ, નવસારી)