અમદાવાદ: અમદાવાદ શહેર જેટલું જૂનું છે એટલી જ કહાણીઓ આ શહેર પોતાના હદયમાં સમાવીને બેઠું છે. અમદાવાદ શહેરના એક-એક વિસ્તારની, એક-એક પોળની, એક-એક ખાંચાની પોતાની આગવી કહાની છે.
આવી જ એક પોળના ખમીરવંતા ઇતિહાસ અને વર્ષોથી ચાલી આવતી અકલ્પનીય પરંપરા વિષે વાત કરવી છે. વાત છે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળની.
બારોટ સમાજનું સદુમાતા પ્રત્યે સમર્પણ: નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે; નવરાત્રીના આ તહેવારની ઉજવણી ક્યાક સ્થળ – કાળની રીતે વિશેષ હોય છે તો ક્યાય પરંપરાની રીતે વિશેષ હોય છે. અમદાવાદ શહેરમાં આજે પણ પોળોમાં દેસી ગરબાની રમજટ જોવા મળે છે તો બીજી બાજુ પાર્ટી પ્લોટમાં મોર્ડન સ્વરૂપમાં ગરબાના મોટા આયોજનો પણ જોવા મળે છે ત્યારે અમદાવાદ શહેરના જ શાહપુર વિસ્તારમાં સદુમાતાની પોળ આવેલી છે જ્યાં નવરાત્રિની આઠમની રાત્રિ દરમ્યાન બારોટ સમાજના પુરુષો વર્ષોથી માથે ચાંદલો કરી સ્ત્રીના વસ્ત્રોમાં ગરબા ગાય સદુમાતા પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવે છે.
પતિવ્રતા સાદુબા સતી થયા હતા: આ વર્ષોથી ચાલી આવતી પરંપરાના મૂળ પેશ્વાકાલીન સમયમાં દોરી જાય છે, સ્થાનિક લોકોનું માનવું છે કે સીધુપુર પાટણના સદુબા અમદાવાદનાં હરિસિંગ બારોટને પરણીને શહેરમાં આવ્યા હતા, સમગ્ર શહેરમાં સદુબાના રૂપની ચર્ચા થવા લાગી ત્યારે ઔતમ નામના વ્યક્તિએ સદુબાના પગની પાની જોઈને આ સ્ત્રીના પગ આવા છે તો તે પોતે કેટલી સ્વરૂપવાન હશે ? તેવો વિચાર ભદ્રના કિલ્લામાં જઈને રાજા સમક્ષ વર્ણવ્યો અને રાજા સમક્ષ વાત કરી કે કોટ વિસ્તારની આ સ્ત્રી રાજાના મહેલમાં શોભે તેવી છે અને આ વાત રાજાને માથે ઘર કરી ગઈ એટલે રાજાએ બારોટ સમાજ પાસે સદુબાની માગણી કરી હતી પરંતુ જવાબમાં રાજાને ના સંભાળવું પડ્યું, પછી શું જે થવાનું હતું તે જ થયું સૈનિકો અને બારોટો વચ્ચે ધિંગાણું ખેલાયું જેમાં 300થી વધુ બારોટોના મોત થયા.
પુરુષો પશ્ચાતાપ માટે સ્ત્રીવેશે ગરબા ગાય છે: આ બધુ મારા કારણે થયું છે તેવો વિચાર કરીને પતિવ્રતા સદુબાએ પોતાની દીકરીને પરછોડી મૂકી અને પોતે સતી થઈ ગયા. આ ઘટના બનતા જ સમગ્ર બારોટ સમાજમાં હાહાકાર છવાય ગયો કે સમાજની એક સ્ત્રી સતી થઈ ગઈ છે, માનવામાં એવું પણ આવે છે કે આ સમયે જ્યારે ધિંગાણું ખેલાયું ત્યારે કેટલાક બારોટ સમાજના લોકો સ્ત્રીના વસ્ત્રો પહેરીને છુપાઈ ગયા હતા જેથી તેઓ બચી ગયા પરંતુ સદુબાના સતી થયાના સમાચાર સાંભળતા જ તેમને પણ આઘાત લાગ્યો અને તેથી જ આજે પણ તેના પશ્ચાતાપ માટે બારોટ સમાજના પુરુષો સ્ત્રીના વસ્ત્રો પહેરીને ગરબા ગાય છે. સતીત્વની, ચારિત્રની, બલિદાનનીએ કથા આજે અહીના બારોટ સમાજના લોકો માટે શ્ર્ધાનું તેજ બની નવરાત્રિની આઠમે પરંપરામાં ફેરવાઇ ગઈ છે.