છોટાઉદેપુર: જિલ્લામાં 5 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું હતું. ત્યારે વરસાદ રોકાઇ જતા જનજીવન થાળે પડતા પાછો વરસાદ વરસી પડ્યો હતો. છોટા ઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયો હતો. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો, સુખી ડેમના 3 ગેટ ખોલી 9700 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સુખી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડાયું: જિલ્લામાં 5 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસતા સુખી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને નેશનલ હાઇવે નંબર 56 પર ક્ષત્તિગ્રસ્ત પુલની બાજુમાં બનાવવામાં આવેલું 2 કરોડ 28 લાખના ખર્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પૂરી રીતે ધોવાઇ ગયું હતું. જયારે ક્ષત્તિગ્રસ્ત પુલ પત્તાની જેમ તૂટી પડ્યો હતો. જેને લઇને નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. લોકોને જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર જવું હોય તો રંગલી ચોકડી તરફથી 40 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ તરફના અજાણ્યા વાહન ચાલકો અટવાયા હતા.
કડાકાભેર વીજળી સાથે 6 ઇંચ વરસાદ વરસ્યો: ગતરાત્રીના સમયે ગાજવીજ વીજળી સાથે 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે વહેલી સવારેથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જેતપુર પાવીમાં 2 ઇંચમાં 50 MM, છોટાઉદેપુરમાં પોણા ઇંચમાં 19 MM, ક્વાંટમાં 4 MM, નસવાડીમાં 1 ઇંચમાં 26 MM, સંખેડામાં અડધો ઇંચમાં 12 MM, બોડેલીમાં સવા ઇંચમાં 30 MM જેટસો વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા જિલ્લાને રેડઝોન જાહેર: જયારે સુખી ડેમના કમાન્ડ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા 147.34 મીટરના રૂલ લેવલને જાળવવા 3 ગેટને 90 મીટર ખોલી 9700 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કવાંટ તાલુકાનો રામી ડેમ ઓવર ફ્લો થઇ 10 હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે. જોકે હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવતા ભારે વરસાદ વરસે તો જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
નસવાડીમાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતાં રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. જેણે લઈને લોકોનું જન જીવન પ્રભાવિત થઇ પડ્યું હતું. વધુ વરસાદ પડતાં ગણેશ મહોત્સવ માટે બનાવેલ મંડપ પણ તૂટી પડ્યો હતો અને ભર વરસાદમાં આયોજકો દ્વારા મંડપ રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના નસવાડી વિસ્તારમાં વહેલી સવારના 8 થી 10 વાગ્યાં સુધીમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા રોડ પર ઘુટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં. ધોધમાર વરસાદ વરસતા વાલીઓ શાળાઓમાંથી બાળકોને લઈ આવ્યા હતાં.
આ પણ વાચો: