ખેડા: મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસનો ખેડાની સેવાલિયા પોલિસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સેવાલિયા ચેકપોસ્ટ પરથી અવારનવાર મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હથિયારો ઝડપાતા હોય છે.
બાતમીને આધારે કાર્યવાહી: સેવાલિયા બસ સ્ટેશન પાસે એક ઈસમ ડ્રગ્સ લઈને આવવાનો હોવાની સેવાલિયા પોલિસને બાતમી મળી હતી. જેને આધારે પોલિસ દ્વારા સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભેલ ઈસમને શંકાસ્પદ પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલિસ પૂછપરછમાં તેણે પોતાનું નામ ગોપાલ નધુલાલ મહેર (રહે.દુધાલિયા,ઝાલાવાડ,રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

14.90 લાખનું ડ્રગ્સ: પોલિસને આરોપી ગોપાલ પાસેથી 150 ગ્રામ જેટલો પાવડર મળી આવ્યો હતો. જેને તે મધ્યપ્રદેશથી રાજકોટ ખાતે લઈ જવાનો હોવાનો ખુલાસો થયો હતો. તેનુ એફએસએલ દ્વારા પરીક્ષણ કરતા તે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયું હતુ. જેને લઈ સેવાલિયા પોલિસ દ્વારા ગુનો નોંધી રૂ.14.90 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ પોલિસ દ્વારા ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોને આપવાનુ હતું તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
કાર્યવાહી હાથ ધરાઈ છે: આ બાબતે સેવાલિયા પોલિસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ રાવલે જણાવ્યુ હતું કે, રાજસ્થાની ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યુ છે. જેની કિંમત 14.90 લાખ છે. તેની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.