જૂનાગઢઃ 31મી જાન્યુઆરીના દિવસે જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર ખાતે લઘુમતી સમાજના એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુંબઈના મૌલવી સલમાન અજહરીને વક્તા તરીકે બોલાવવામાં આવ્યો હતો. મૌલાના સલમાન અજહરીએ ભડકાઉ ભાષણ કર્યું હોવાની ફરિયાદ B ડિવિઝન પોલીસ મથકના PSI સાંગાણી દ્વારા કરવામાં આવી હતી. મૌલાના અજહરીની અટકાયત મુંબઈમાંથી મુંબઈ એટીએસ અને ત્યારબાદ ગુજરાત એટીએસને કબજો મળ્યા બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો. અજારીને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જૂનાગઢ ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ મૌલાના અજહરીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.
5 કલાક જેટલી કોર્ટ કાર્યવાહીઃ મૌલાના સલમાન અજહરીના વકીલ અને સરકારી વકીલ વચ્ચે ખૂબ જ ધારદાર દલીલો થઈ હતી. બપોરે 2 કલાકે શરૂ થયેલી દલીલોનો દોર સાંજે 07:30 કલાક સુધી ચાલ્યો હતો. ફરિયાદી અને આરોપી પક્ષના વકીલોએ રિમાન્ડ મેળવવા અને રિમાન્ડ ન આપવા માટે ખૂબ જ ધારદાર દલીલો કરી હતી. 10 પાનાની રિમાન્ડ અરજીમાં 10 મુદ્દાનો સમાવેશ કરીને જૂનાગઢ પોલીસે મૌલાના અજહરીની 10 દિવસની રિમાન્ડની માંગ કરી હતી. આરોપી પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખીને ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા મૌલાના સલમાન અજહરીને આવતીકાલ બપોરના 4 કલાક સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખઃ સલમાન અજહરીના વકીલ શકીલ શેખ અને સબીર શેખ દ્વારા ખૂબ જ ધારદાર રીતે કોર્ટમાં દલીલો રજૂ કરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ અને સુપ્રીમ કોર્ટે આપેલા પૂર્વેના કેટલાક જજમેન્ટોનું પાલન નથી થયું તેવો તર્ક રજૂ કરાયો હતો. જો કે ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી પક્ષના વકીલોના આ તર્ક ને ફગાવીને અંતે મૌલાના સલમાન અજહરીને 1 દિવસના રિમાન્ડ પર મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આવતી કાલે બપોરે 3 વાગે ફરી મૌલાના સલમાન અજહરીને કોર્ટમાં રજૂ કરાશે. વધુ રિમાન્ડ મળે છે કે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે તેના પર હવે આવતી કાલની કોર્ટની કાર્યવાહી પર સૌની મીટ મંડાયેલી છે.
જૂનાગઢ પોલીસે મૌલાના અજહરીની દસ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. જો કે ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે 1 દિવસના રિમાન્ડને મંજૂરી આપી હતી...શકિલ શેખ(મૌલાના અઝહરીના વકીલ)
ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ ડેસ્ટિનેશનથી ડેસ્ટિનેશન હોય છે. ગઈકાલે સાંજે 5 કલાકથી આરોપી જ્યૂડિશિયલ કસ્ટડીમાં હતા તો કેમ પુછપરછ ન કરી. કોર્ટે અમારી દલીલો સાંભળી અને માનીને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે...શબીર શેખ(મૌલાના અઝહરીના વકીલ)