અમદાવાદ : ખાણીપીણીના શોખીન અમદાવાદવાસીઓ વિવિધ વ્યંજન અને ચટાકેદાર ભોજનની મજા માણવા માણેકચોક અને ત્રણ દરવાજાના રાત્રી બજારમાં ઉમટી પડે છે. સાથે જ ગરમા ગરમ મલાઈદાર દૂધની પણ લહેજત લીધી હશે. પરંતુ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેક આંબાવાડી સુધી આવે છે, ફક્ત ખજૂરનું દૂધ પીવા...
શક્તિવર્ધક ખજૂરનું દૂધ : સાંજે છ વાગ્યા પછી આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજ પાસેથી પસાર થતા ઘણા લોકોનું ધ્યાન એક વાન અને ખજૂરનું દૂધ લખેલા બોર્ડ પર જતું હશે. કેટલાક લોકો ખજૂરનું દૂધ વાંચીને આગળ વધી જતા હશે તો કેટલાક સ્વાદરસિયા ઉભા પણ રહી જતા હશે. આ વેનના સંચાલક મનહર પટેલ છેલ્લા 10 વર્ષથી આ સ્થળે ખજૂરવાળા દૂધનો સ્વાદ વહેંચી રહ્યા છે.
સ્વાદ સફરની રસપ્રદ શરૂઆત : મનહરભાઈએ આ વ્યવસાય કેવી રીતે શરૂ કર્યો તે વાત પણ ઘણી રસપ્રદ છે. અગાઉ તેઓ સ્કૂલવેન ચલાવીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ 10 વર્ષ પહેલા બીમાર પડ્યા ત્યારે તેમના એક મિત્રએ તેમને ખજૂર ખાવાની સલાહ આપી. તેઓ તો દૂધ સાથે ખજૂર લેવા લાગ્યા અને થોડા દિવસમાં જ તેમણે ઘણો ફાયદો થયો. બાદમાં તેમને વિચાર આવ્યો, હું આવું જ દૂધ વેચવાનું ચાલુ કરું તો ? અને આવી રીતે શરૂ થઈ ખજૂરના દૂધની સ્વાદ સફર...
દૂધનો સ્વાદ દાઢે વળગ્યો : મજાની વાત એ પણ છે કે જે મિત્રએ મનહરભાઈને સલાહ આપી હતી, તેમણે જ એક બોર્ડ પણ તૈયાર કરી આપ્યું હતું. આ બોર્ડ અત્યંત જૂનું થઈ ગયું હોવા છતાં મિત્રની યાદમાં મનહરભાઈ હજુ પણ આ બોર્ડનો ઉપયોગ કરે છે. આ દૂધના સ્વાદના કેટલાક લોકો તો એવા રસિયા થઈ ગયા છે કે મણિનગર, સેટેલાઈટ, બોપલ અને નારણપુરાથી નિયમિત અહીં આવે છે. ગુરુવાર અને શનિવાર જેવા ઉપવાસના દિવસે પણ કેટલાક લોકો અહીં આવી પહોંચે છે.
ઠંડું અને ગરમ ખજૂરનું દૂધ : તજ, ગંઠોળા, ઈલાયચી, વરીયાળી પાવડર અને સૂંઠના પાવડર સાથે તૈયાર થતા આ દૂધથી એક વખત રાજસ્થાનના એક વ્યક્તિ જે રીતે ફાયદો થયો એ યાદગાર ઘટના છે. એ વ્યક્તિને હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હતું અને કોઈની સલાહથી અહીં ખજૂરનું દૂધ પીવાનું શરૂ કર્યું. મનહરભાઈના દાવા મુજબ આ વ્યક્તિના સ્વાસ્થ્યમાં 20 દિવસમાં જ સુધારો થયો અને હિમોગ્લોબિનનું સ્તર પાછું ઉપર આવી ગયું.
વાન સંચાલક મનહર પટેલ : દિવસે સ્કૂલ વેન ચલાવતા અને રાત્રે ખજૂરનું દૂધ વેચતા મનહરભાઈની બીજી એક મોટી વિશેષતા એ છે કે તેઓ બ્લડ ડોનર છે. તેઓ અત્યાર સુધીમાં 50થી પણ વધારે વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યા છે. પોતાના આ વ્યવસાયથી ખુશ મનહરભાઈ તેમની વેનમાં ખજૂરથી થતા ફાયદા વિશેના લખાણો પણ રાખે છે અને ગ્રાહકોને તે વાંચવા આપે છે. મનહરભાઈના જણાવ્યા અનુસાર 80 રૂપિયાના એક ગ્લાસ દૂધની મજા માણવા અહીં દરરોજ 100થી 200 લોકો આવે છે.