પોરબંદર : આજે વિશ્વભરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કિર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા.
ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદરના કિર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. સાથે જ સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ શુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવતા વિશ્વભરના લોકોને સર્વ ધર્મ પ્રાર્થનાથી નવું બળ મળે છે.
CM પટેલે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી : આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું કે, પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણે આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે.
સર્વધર્મ પ્રાર્થનામાં સહભાગી થયા CM : આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રીને બાપુનો પ્રિય એવો ચરખો અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે સ્મૃતિ સંગ્રહની મુલાકાત સાથે વિજીટ બુકમાં પણ નોંધ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમય રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.
કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં કુંવરજી બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, રમેશ ઓઝા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સીએમ પટેલે કર્યું શ્રમદાન : આજરોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત રીતે સુદામા મંદિર પરિસરમાં શ્રમદાન કરી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' માં પોતાની સહ-ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી કલાકૃતિ પણ નિહાળી હતી. સાથે જ સુદામાજીના દર્શન કરી મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.