સુરતઃ લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ અને AAP એ ગઠબંધન કરી દીધું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમજ તોડ જોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે.
પાયલ વઘાસિયાએ છેડો ફાડ્યોઃ ભાજપનો ગઢ ગણાતા કામરેજ તાલુકામાં જ કોંગ્રેસે ગાબડુ પાડયું હતું. કામરેજ ચાર રસ્તા નજીક આયોજિત બેઠકમાં બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભોકળવાના હસ્તે તાલુકા ભાજપ સંગઠન મંત્રી પાયલ વઘાસિયા એ કોંગ્રેસનો ખેસ પહેરી ભાજપને રામ રામ કરી દીધા હતા. લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટાચૂંટણી ટાણે જ પક્ષાંતરના સમાચારોની વણઝાર જોવા મળે છે. રાજકીય પક્ષોમાંથી દિગ્ગજો અને અગ્રણીઓ સહિત સંગઠન મંત્રી અને કાર્યકરો પણ પક્ષાંતર કરીને બીજા પક્ષોમાં ભળી રહ્યા છે. જેમાં પાયલ વઘાસિયાના પક્ષાંતરની ઘટના સામે આવી છે.
ભાજપને છેલ્લી ઘડી સુધી ગંધ ન આવીઃ ભાજપથી નારાજ ચાલી રહેલ પાયલ વઘાસિયા કોંગ્રેસમાં જોડતા તાલુકા ભાજપ ઊંઘતી રહી અને તાલુકા ભાજપમાં ભંગાણ થશે એની છેલ્લે સુધી ગંધ ન આવવા દીધી હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા પાયલ વઘાસિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી પક્ષ છોડવાનું વિચારી રહી હતી કારણ કે કોઈ અમારી રજૂઆતો જ ન સાભળતું હતું. તેનાથી નારાજગી થતા હાલ કોંગ્રેસમાં જોડાઈ ગઈ છું.