સુરતઃ અત્યારે નવરાત્રિ નથી પરંતુ સુરતમાં આપને યુવાનો ગરબા રમતા જોવા મળશે. આ યુવાનોએ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. સુરતના 15 જેટલા યુવાનો ખાસ ચૂંટણી પંચના જાગૃતિ ગીત પર ગરબા કરી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.
વિવિધ પ્રોફેશનલ્સ જોડાયાઃ સુરત શહેરના ડોક્ટર, બિલ્ડર, એન્જિનિયર, ટેટૂ આર્ટીસ્ટ, એથીકલ હેકર સહિતના પ્રોફેશન સાથે જોડાયેલા 15 જેટલા યુવાનો હાલ પોતપોતાના પ્રોફેશનમાંથી સમય કાઢીને શહેરના આવા વિસ્તારમાં ગરબા કરી રહ્યા છે જ્યાં વોટિંગ પર્સન્ટેજ ખૂબ જ ઓછું છે. અત્યાર સુધીમાં આ ગ્રુપના લોકોએ 20થી વધુ સ્થળો પર જઈને ગરબા કર્યા છે અને સૌથી મોટી વાત છે કે ગરબાના માધ્યમથી લોકોને તેઓ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. તેઓએ જે ગીત ગરબા માટે પસંદ કર્યા છે તે ચૂંટણી પંચના મતદાન જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલા ગીતો છે.
ગરબામાં ઊર્જા હોય છેઃ મેકેનિકલ એન્જિનિયર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમારું 15 લોકોનું ગ્રુપ છે. અમે વિચાર્યું કે ચૂંટણી આવી રહી છે અને છેલ્લા 2 ફેઝમાં મતદાન ઓછું થયું છે. તેથી અમે સમય કાઢીને એવા લોકો પાસે જઈશું જે લોકો મતદાન કરવાના છે કારણ કે મતદાન સૌથી વધારે થાય આ અમારું મુખ્ય હેતુ છે. જેના માટે અમે ગરબાને માધ્યમ બનાવ્યું છે. ગરબામાં એટલી ઊર્જા હોય છે કે લોકોને આકર્ષિત કરે છે જ્યારે અમે ગરબા રમીએ છીએ ત્યારે લોકો અમારી પાસે આવે છે અને અમે તેમને મતદાન કરવા માટે અપીલ કરીએ છે. ગરબા માટે અમે જે ગીત સિલેક્ટ કર્યા છે તે પણ ચૂંટણી કમિશનના જાગૃતિ અભિયાનના ગીત છે.
ગરમી હોય છતાં મતદાન કરોઃ ટેટુ આર્ટિસ્ટ હેતશ્રી કંસારાએ જણાવ્યું હતું કે, અમે લોકોને ગરબાના માધ્યમથી અપીલ કરી રહ્યા છે કે તમે લોકો ચોક્કસથી મતદાન કરવા જાઓ અને પોતાના અધિકારનો ઉપયોગ કરો. ચોક્કસથી ગરમી હશે પરંતુ આ ગરમીને જોઈને લોકો મતદાન કરવા ન જાય એવી સ્થિતિ ન ઊભી થાય આ માટે અમે ખાસ આ કેમ્પેનિંગ કરી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે અમે ગરબા કરી રહ્યા છે જ્યારે લોકો મારી પાસે આવે છે ત્યારે અમે તેમને સમજાવીએ છીએ કે સુરતમાં તમને ભલે ગરમી લાગે પરંતુ મતદાન કરવા પહેલાં છત્રી લો અથવા તો જ્યુસ પીઓ પરંતુ મતદાન કરવા માટે ચોક્કસથી જાઓ.
દેશના લાભમાં પ્રયત્નઃ એથિકલ હેકર ધ્રુવી જણાવ્યું હતું કે આમ તો અમે હંમેશા પાર્ટી કે ગેટ ટુ ગેધરમાં મળતા હોઈએ છે પરંતુ આ વખતે વિચાર્યું કે અમે કંઇક એવું કરીએ જેનાથી દેશને લાભ મળી શકે આ માટે અમે એક દિવસ વિચાર્યું કે અમે લોકોને મતદાન કરવા માટે અપીલ કરીશું. આ માટે અમે એવા વિસ્તારોમાં જઈએ છીએ જ્યાં લોકો વધારે મતદાન કરવા માટે નીકળતા નથી.