સુરતઃ ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરિફ ચૂંટણી જીતી ગયું છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટના રાજકીય પ્રત્યાઘાતો તો પડ્યા છે પણ મતદારોના મંતવ્યો કેવા છે? શું તેઓ આ ઘટનાને યોગ્ય ગણે છે કે અયોગ્ય? Etv Bharatએ સુરતના મતદારોના મંતવ્યો જાણ્યા છે.
મારુ છેલ્લું મતદાન છીનવાયુંઃ હાજી જૈસી રાજભાઈએ જણાવ્યું હતું કે, ચૂંટણી જે રદ થઈ છે તેનો હું સખ્ત વિરોધ કરું છું. મારી ઉમર 75 વર્ષની છે આવતા મતદાન સુધી હું જીવીશ કે નહિ તેની મને ખબર નથી. કદાચ આ છેલ્લી વાર મતદાન કરવા મને મળવાનું હતું જે અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો છે. જે શરમ જનક છે. આવી ઘટના ફરીથી ના બને તેની તકેદારીઓ રાખવી જોઈએ. અન્ય મતદાર મુકેશ રાણાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં હું મતદાર હતો અને મારો મત આપવાનો જે અધિકાર હતો તે છીનવાઈ ગયો છે અને મને આ મંજુર નથી.
મેં અજમેર જવાનું કેન્સલ કર્યુ હતુંઃ હાજી ચિનુભાઈ અબ્દુલે જણાવ્યું હતું કે, ચૂંટણી રદ થઈ છે તેનું બહુ જ દુઃખ થયું છે. મત આપવાનો અધિકાર અમારી પાસેથી છીનવાઈ ગયો છે. અમને ઉત્સાહ હતો કે, અમે મત આપીને અમારા ચહિતા નેતાને આગળ લાવીએ અને સુરત શહેરને આગળ વધારીએ. અમારે અજમેર જવાનું હતું અને રીઝવેશન પણ કરાવી લીધું હતું પરંતુ ચૂંટણીમાં મતદાન માટે અમેકેન્સલ કર્યુ હતું પરંતુ હવે ચુંટણી જ કેન્સલ થઈ ગયી છે. જેનું અમને ખુબ જ દુઃખ છે.
જે થયું તે 'યોગ્ય' થયુંઃ રોનકભાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં જે થયું તે બરોબર જ છે અને બધી જ જગ્યાએ આવું જ થવું જોઈએ. કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી અને બીજેપી કામો કરી રહી છે તેમાં અડચણ લાવ્યા કરે છે. આવી રીતે ઈલેકશન ના થાય અને પીએમ મોદી જ સત્તા પર રહે તો ઈન્ડિયામાં રોનક લાવી દેશે.
જે થયું તે 'અયોગ્ય' થયુંઃ ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, જે રીતે સુરત લોકસભા બીજેપી બિન હરીફ જીતી છે એ બાબત અયોગ્ય છે. સામેની પાર્ટીએ ફોર્મ ભર્યું છે એમના ટેકેદારોને ધમકાવ્યા છે પૈસાથી ખરીદી બેસી ગયા છે. ચૂંટણીમાં મતદારોને મત આપવાનો અધિકાર છીનવી લીધો છે. તો આ બાબત લોકતંત્ર માટે બરોબર નથી, સુરતમાં જે થયું તે બિલકુલ યોગ્ય નથી. આમાં ચૂંટણીપંચે પણ ધ્યાન રાખવું જોઈએ.
કોંગ્રેસ ઉમેદવાર હાજર ન થયાઃ દીક્ષીત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નહી પરંતુ મતદાન રદ થયું એમ કહી શકાય, કારણ કે ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. અન્ય ઉમેદવારોએ જાતે જ ફોર્મ ખેચ્યા છે જયારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મની ચકાસણી વખતે હાજર થયા ન હતા. તેમના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને છેલ્લે તેમનું ફોર્મ રદ થયું હતું જે થયું તે યોગ્ય જ છે.
લોકશાહીની હત્યા થઈઃ કાંતિભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, લોકશાહીનું ખૂન થયું હોય એવું લાગે કારણ કે, આપણે લોકશાહીમાં મતદાનનો આનંદ હોય છે પરંતુ મતદાનનો અધિકાર જ છીનવી લેવાયો છે. આટલો મોટો પક્ષ અને ચુંટણી ન થવા દે અને અન્ય ઉમેદવારોને ખરીદી લે તે ખરેખર દુઃખની વાત છે. જનતાને મતદાનનો અધિકાર છીનવી લે છે તે અયોગ્ય છે આવા લોકોને અમે ધિક્કારીએ છીએ.