સુરતઃ 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. સુરત શહેર અને જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ મતદાન માટે ચૂંટણી અને વહીવટી તંત્રએ બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં ભીષણ ગરમીને ધ્યાનમાં રાખી ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી મતદાતાઓને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય અને લોકો મોટી સંખ્યામાં મતદાન થાય.
મતદાન માટે અપીલઃ સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સુરતના લગભગ 30 લાખ મતદાતાઓને અપીલ કરી છે કે તેઓ મતદાન કરે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થતા લાખો મતદાતાઓને લાગી રહ્યું છે કે તેઓ મતદાન નહીં કરી શકે પરંતુ એવું નથી કારણ કે, સુરતના એવા વિસ્તાર જે બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં સામેલ છે તેવા વિસ્તારના મતદાતાઓ મતદાન કરી શકશે. સુરત જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, જે મતદાતાઓ છે તેઓ હેલ્પલાઈન નંબર પણ ફોન કરી જાણી શકશે કે તેઓ મતદાન કરી શકે છે કે નહીં.
ગરમી સંદર્ભે ખાસ સુવિધાઃ સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, ભારે ગરમીને ધ્યાનમાં રાખી દરેક મતદાન કેન્દ્ર પર મતદાતાઓને હાલાકી ન થાય આ માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મતદાતાઓને પાણી સહિતની અન્ય સુવિધા મળી રહે તેમજ મતદાન કેન્દ્ર પર વીજળી ન જાય આ માટેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. જેથી મતદાતાઓ સુચારુ રીતે મતદાન કરી શકે.
કુલ 73 મતદાન કેન્દ્રઃ સુરત શહેર અને જિલ્લામાં કુલ 9 જેટલા વિધાનસભા બેઠક પર મતદાન થશે. જેમાં માંગરોળ, માંડવી, કામરેજ, લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, બારડોલી અને મહુવા સામેલ છે. આ તમામ વિધાનસભામાં કુલ 9 જેટલા મોડલ મતદાન મથક છે. આ સાથે મહિલા સંચાલિત કુલ 63 મતદાન કેન્દ્ર હશે. યુવા મતદાન કેન્દ્ર એક માત્ર મજૂરામાં છે. આમ, મોડલ મતદાન મથક મહિલા સંચાલિત અને યુવા બુથ કુલ 73 જેટલા મતદાન કેન્દ્ર કાર્યરત રહેશે.