પાટણઃ પ્રદેશ કૉંગ્રેસ દ્વારા પાટણ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકે ગેમર દેસાઈની વરણી કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દ્વારા કૉંગ્રેસ કાર્યાલયનું રીનોવેશન કરાવી આજે ભગવાન સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી. જેમાં પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત તાલુકા અને જિલ્લા કૉંગ્રેસના આગેવાનો વિવિધ મંડળના પ્રમુખો, મહિલા મોરચાના આગેવાનો સહિત કૉંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોએ વિધિવત રીતે ભગવાન સત્યનારાયણની પૂજા અર્ચના કરી હતી. કથાની પૂર્ણાહુતિ બાદ કૉંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તા બેઠક યોજાઈ હતી.
સરકારી કચેરીઓ કૉંગ્રેસની સાથે છે-કિરીટ પટેલઃ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ વિકાસની માત્ર ને માત્ર ખોટી વાતો કરે છે. મોંઘવારીએ માઝા મૂકી છે, પેટ્રોલ ડીઝલમાં ભાવો વધેલા છે, રોજગારી મળતી નથી. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે સરકાર સામે લડી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા પડશે. આપણે આપણું સોશિયલ મીડિયા મજબૂત કરી સરકારની આવી નિષ્ક્રિયતા વાળી પોસ્ટ વાયરલ કરી લોકો સુધી પહોંચાડવી પડશે.
કૉંગ્રેસને વફાદાર રહી ઉમેદવારને જીતાડવાની હાકલઃ કાર્યકર્તા બેઠકમાં પાટણ ધારાસભ્ય સહિત રાધનપુર અને સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને વફાદાર રહી જે પણ ઉમેદવાર આવે તેને જીતાડવા માટે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત કૉંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ લોકસભાની ચૂંટણી સંદર્ભે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.