કચ્છઃ લોકસભા સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો પણ વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચાર કર્યો હતો. કચ્છની અનુસૂચિત જાતિની અનામત બેઠક પર આજે અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
મુખ્યપ્રધાને માતાના મઢે દર્શન કર્યાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર પ્રસારના ભાગરૂપે નખત્રાણા આવ્યા હતા. સૌપ્રથમ કચ્છના સુપ્રસિદ્ધ દેવી મા આશાપુરાના દર્શન કર્યા હતા. દર્શન બાદ નખત્રાણા ખાતે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. કચ્છ મોરબી લોકસભા વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લાના આગેવાનો, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
અબડાસા મતવિસ્તારના વિકાસકાર્યોની ચર્ચાઃ જાહેર સભામાં અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા મતવિસ્તારમાં થયેલા વિકાસના કાર્યો તેમજ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તેમજ પ્રવાસન સ્થળોના વિકાસ માટેના પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. ત્યારબાદ તેમણે ફરીથી ભાજપના ઉમેદવારને આગામી લોકસભા ચૂંટણીમાં મત આપીને મોટી લીડથી વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી.
અનુસૂચિત જાતિના નેતા અને 300 સમર્થકો ભાજપમાં જોડાયાઃ ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા હતા. નખત્રાણા ખાતે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અનિશ્ચિત જાતિના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કચ્છમાં અનુસૂચિત જાતિના અધિકારો મુદ્દે અવારનવાર લડત કરી ભાજપને અનુસૂચિત વિરોધી ગણાવતા નેતા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. તો નરેશ મહેશ્વરી જીજ્ઞેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાતના ઉપાધ્યક્ષ પદે પણ રહી ચુક્યા છે. આજે 300 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. હાલમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરુદ્ધ વચ્ચે 5 લાખની લીડ મેળવવા દલિત નેતાને કેસરિયા કરાવી ભાજપની નવી રણનીતિ તરીકે પણ ગણવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાને કરી અપીલઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, આજે માતાના મઢ આવીને ખુશી થઈ છે તો હાલમાં લોકસભા ચૂંટણીમાં દેશનો માહોલ ભાજપ લક્ષી થઈ ગયો છે. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 400 પાર સાથે જીતાડવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક તાકાત આજે મજબૂત બનાવી છે. આજે દેશમાં નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે. દેશમાં સુધારો આવ્યો છે. તેમજ ભાજપનું નેતૃત્વ પણ ખૂબ મજબૂત બન્યું છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ લોકોને આવાસો મળ્યા છે. દરેક સેકટરમાં બદલાવ આવ્યા છે. એરપોર્ટ, મેડિકલ કોલેજો વધી છે. આજે જન જન સુધી વિકાસ પહોંચ્યો છે. દેશના રેલવેનું વીજળીકરણ થયું છે. આજે ક્ચ્છ પણ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. કચ્છ આજે ગ્રીન એનર્જીનું હબ બન્યું છે. દેશમાં વાયબ્રન્ટ દ્વારા લોકોને રોજગારી મળી છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને વિજયી બનાવવા પણ તેમણે અપીલ કરી હતી.
વિનોદ ચાવડાને જીતનો વિશ્વાસઃ કચ્છ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લો એક માત્ર એવો જીલ્લો છે જેનો 4 ક્ષેત્રે વિકાસ થયું છે. કચ્છનું ઔધોગિક ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે. પાર્ટીએ સતત 3જી વખત વિશ્વાસ મૂકીને મને ટિકિટ ફાળવી છે. લોકોના સાથ-સહકાર સાથે ફરીથી 3જી વખત વિજેતા કચ્છ અને મોરબીની જનતા બનાવશે તેવો વિશ્વાસ છે.
અબડાસા ચૂંટણી મધ્યસ્થ કાર્યલાયનું ઉદ્દઘાટનઃ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે,આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કર્યા હતા અને પ્રચારની શરૂઆત કરી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારના ચૂંટણી મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારના મતદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે જેમાં રોડ રસ્તાના કામ, પ્રવાસનના કામ, ધર્મસ્થળના વિકાસના કામો, ઉધોગિક વિકાસ થયો છે. ત્યારે અબડાસાના સૌ મતદારોને પણ અપીલ કરવામાં આવે છે કે 7 મે ના રોજ મતદાન કરીને ભાજપને વિજેતા બનાવે. આજે દલિત અધિકાર મંચના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જેમને આવકારવામાં આવ્યા હતા.