જૂનાગઢઃ રાજેશ ચુડાસમા સતત 2 ટર્મથી જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવે છે. સાંસદ તરીકે તેમનો કાર્યકાળ આગામી મહિનાઓમાં 1 દસકો પૂર્ણ કરવા જઈ રહ્યો છે. એક દસકાના તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પર વિકાસની સાથે રોજગારી અને ખેડૂતલક્ષી અનેક કામો થયા છે. જે કામો બાકી છે તે પણ આવનારા સમયમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર પૂરા કરવા જઈ રહી છે તેવા ભરોસો રાજેશ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે. આ લોકસભાની બેઠક ફરી એક વખત ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોના અંતરથી જીતશે તેવો વિશ્વાસ પણ સાંસદે વ્યક્ત કર્યો હતો.
પર્યટન કોરિડોરમાં અનેક કાર્યોઃ જૂનાગઢ લોકસભા બેઠક વિસ્તારનો પર્યટન કોરિડોરમાં સમાવેશ થાય છે. જૂનાગઢ બેઠક સાસણ અને સોમનાથમાં વિસ્તરેલી છે. જૂનાગઢમાં ઉપરકોટ અને એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે આવેલ છે. તેમજ સાસણમાં સિંહ દર્શનની સાથે પ્રવાસીઓને અનેક સુવિધાઓ તેમના કાર્યકાળમાં ઉપલબ્ધ થઈ હોવાનું સાંસદે જણાવ્યું હતું. બીજી તરફ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને તેમના પ્રમુખ સ્થાને સતત વિકસિત થઈ રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં ખેડૂતો અને માછીમારી ઉદ્યોગ ખાસ કરીને ખેડૂતો અને માછીમારો માટે પણ પાછલા એક દસકા દરમિયાન ખૂબ સારું કામ થયું હોવાનું રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું. આવનારા સમયમાં બાકી રહેલા વિકાસ કાર્યો પૂરા કરવા કેન્દ્ર અને રાજ્યની સરકાર કટિબદ્ધ છે તેવો વિશ્વાસ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો.
હોલીડે કેમ્પ નવલું નજરાણુંઃ ચોરવાડ નજીક આવેલ હોલીડે કેમ્પ જૂનાગઢ લોકસભા બેઠકમાં પર્યટન ક્ષેત્રમાં એક નવા નજરાણા તરીકે ઉમેરાવા જઈ રહ્યો છે. અહીં કામ શરૂ થયા બાદ જૂનાગઢ, સાસણ, સોમનાથ અને હોલીડે કેમ્પ આ સર્કિટમાં પર્યટન ઉદ્યોગ થકી જૂનાગઢ લોકસભા બેઠકનું અર્થતંત્ર ખૂબ જ વેગવંતુ બનશે તેવો વિશ્વાસ સાંસદે રજૂ કર્યો હતો. વધુમાં આ વિસ્તારમાં નાળિયેરની ખેતી કરતા ખેડૂતો માટે પણ રાજ્ય કક્ષાની એક ઓફિસ શરૂ કરાઈ છે જે નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહી છે. બીજી તરફ ગીરની કેસર કેરી વિશ્વમાં નામના મેળવી ચૂકી છે પરંતુ હવામાન આધારિત પાક વીમો ખાસ કરીને કેસર કેરીને મળે તે માટેના પ્રયાસો આગામી દિવસોમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર કરવા જઈ રહી છે. થોડા જ વર્ષોમાં ગીરની કેસર કેરીને હવામાન આધારિત પાક વીમો મળે તે માટેના પ્રયાસો પણ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હોવાની માહિતી સાંસદ રાજેશ ચુડાસમાએ આપી હતી.
જૂનાગઢ લોકસભાની બેઠક ફરી એક વખત ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોના અંતરથી જીતશે. ચોરવાડ નજીક આવેલ હોલીડે કેમ્પ જૂનાગઢ લોકસભા બેઠકમાં પર્યટન ક્ષેત્રમાં એક નવા નજરાણા તરીકે ઉમેરાવા જઈ રહ્યો છે. અહીં કામ શરૂ થયા બાદ જૂનાગઢ, સાસણ, સોમનાથ અને હોલીડે કેમ્પ આ સર્કિટમાં પર્યટન ઉદ્યોગ થકી જૂનાગઢ લોકસભા બેઠકનું અર્થતંત્ર ખૂબ જ વેગવંતુ બનશે...રાજેશ ચુડાસમા(સાંસદ, જૂનાગઢ)