જૂનાગઢઃ માણાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. આજે દિવસ દરમિયાન ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફોન રીસિવ કર્યા નહતા. આ ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ કોઈપણ સમયે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે.
લાડાણી જિલ્લા પંચાયતના પણ સભ્યઃ અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભાના ધારાસભ્યની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતની માણાવદર તાલુકાની કોડવાવ સીટના સભ્ય તરીકે પણ કાર્યરત છે. અરવિંદ લાડાણી જો આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેઓ જિલ્લા પંચાયતની કોડવાવ સીટ પરથી પણ રાજીનામું આપી શકે છે કારણ કે, કોંગ્રેસ તેમના વિરુદ્ધ પક્ષાંતર ધારાની નીચે કાર્યવાહી પણ કરી શકે છે. આ તમામ શક્યતાની વચ્ચે હાલ તો અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભા બેઠક ખાલી કરી રહ્યા છે ત્યારે લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચોક્કસ આવવાના એંધાણ વર્તાયા છે. આ બે ચૂંટણી સિવાય અરવિંદ લાડાણી કોડવાવ જિલ્લા પંચાયત સીટ પરથી રાજીનામું આપે અથવા કોંગ્રેસ તેની સામે પક્ષાંતરધારા વિરોધ તેને અમાન્ય ઠેરવવાની દરખાસ્ત કરે તો કોડવાવ જિલ્લા પંચાયતની સીટ પરથી પણ પેટા ચૂંટણી થઈ શકે છે.
અરવિંદ લાડાણી મોઢવાડિયા ગ્રુપનાઃ માણાવદર ના ધારાસભ્ય અરવિંદ લાડાણીને અર્જુન મોઢાવાડિયા ગ્રુપના માનવામાં આવે છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું ત્યારે etv ભારતે અરવિંદ લાડાણીનો ટેલીફોનિક સંપર્ક કરીને રાજીનામું આપશે કે કેમ તેમ પુછ્યું હતું. જેના જવાબમાં અરવિંદ લાડાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના નથી પરંતુ આજે તેઓ એક પણ ફોન ઉઠાવતા નથી જે સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તેઓ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચી ગયા હોવા જોઈએ.
2019માં લાડાણી આવ્યા લાઈમ લાઈટમાંઃ વર્ષ 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ અચાનક ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કોંગ્રેસે અરવિંદ લાડાણી પર વિશ્વાસ મુકીને તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાં જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ ખૂબ જ જોરદાર ટક્કર આપી હતી. ત્યારથી તેઓ લાઈમ લાઈટમાં આવ્યા હતા. વર્ષ 2022ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી અરવિંદ લાડાણી પર ભરોસો મુક્યો. જેમાં અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવવામાં સફળ થયા હતા. જો કે હવે તેઓ ફરીથી જવાહર ચાવડાના માર્ગે ચાલીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગેનું આયોજન કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
જવાહર ચાવડાની પેટર્નની કોપીઃ વર્ષ 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ આવેલી પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાનો વિજય થયો હતો. બિલકુલ એ જ પેટર્ન પર અત્યારે અરવિંદ લાડાણી ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભા મત વિસ્તારના મતદારોનો મિજાજ દર 5 વર્ષે ધારાસભ્ય બદલવા માટેનો હોય છે. ત્યારે જો લાડાણી આ વખતે લોકસભાની સાથે વિધાનસભા ની પેટા ચૂંટણી લડે તો તેમાં તેમનો વિજય થવાની શક્યતાઓ જોવાઈ રહી છે પરંતુ પાંચ વર્ષ બાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અરવિંદ લાડાણી પક્ષના ઉમેદવારની જીત પર મસમોટા પ્રશ્નનો સર્જાઈ શકે છે.