દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળિયા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું આગમન થયું અને પ્રસંગ હતો પક્ષના સ્થાપના દિવસ નિમિતે પક્ષનું નવનિર્મિત કાર્યાલય કમલમના ઉદઘાટનનો. આ કાર્યક્રમમાં અચાનક જ 200-250 લોકોનું ટોળું કાર્યક્રમ સ્થળે ઘસી આવ્યું. આ ટોળું ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન આપનારા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યું હતું.
કાળા વાવટા ફરકાવ્યા અને હાય હાયના નારાઃ કાર્યક્રમ સ્થળે આ ટોળું ઘસી આવ્યું અને કાળા વાવટા ફરકાવીને "રૂપાલા હાય હાય, ભાજપ હાય હાય, જય ભવાની"ના નારા લગાવ્યા. આ વિરોધ અંદાજે 20-25 મિનિટ ચાલ્યો. પક્ષ પ્રમુખ જ્યારે આવા કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે ત્યાં સ્થળ પર રહેલો ચાંપતો પોલીસ બંદોબસ્ત આ પરિસ્થિતિને ખાળવા તૈયાર અને સજાગ હોવાથી આ પોલીસ હરકતમાં આવતાની સાથેજ પરિસ્થિતિને ટૂંક સમયમાં ખાળી દેવામાં આવી અને વિરોધીઓ તેમજ સુત્રોચાર કરનારા લોકોને કાર્યક્રમ સ્થળેથી તરતજ રવાના કરવામાં આવ્યા.
ખુરશીઓ અસ્ત વ્યસ્ત કરાઈઃ કાર્યક્રમના મંડપમાં ગોઠવાયેલી ખુરશીઓ ઊંધી વાળી દીધી અને અસ્ત-વ્યસ્ત કરી દીધી, નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે સાવ અચાનક જ આવું ટોળું જ્યારે ઘટનાસ્થળે પહોંચી જાય તો થોડી અવ્યવસ્થા સર્જાય તેમાં કોઈ નવાઈ નથી. મંડપમાં ગોઠવેલી ખુરશીઓ અસ્ત-વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તમામ પ્રકારના વિરોધની પરિસ્થિતિઓ વચ્ચે પક્ષ પ્રમુખે પક્ષના સ્થાપના દિને નવનિર્મિત કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યથાવત રાખ્યો.
આજે રુપાલાની ટિકિટ રદ કરવા આવેદન અપાશેઃ આજે રાજકોટ ખાતે યોજાનારી મહારેલીમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનો રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ ચૂંટણી અધિકારીને રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવા જવાનાં છે તેનાં પર સૌ કોઈની નજર છે.