દાહોદઃ 19મી દાહોદ લોકસભાના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ કરાયું હતું પરંતુ દાહોદની 7 વિધાનસભા બેઠક પૈકી સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં પ્રથમપુર ગામે બુથ નંબર 220 પર બુથ કેપ્ચરિંગની ઘટના ઘટી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાહોદના લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ દ્વારા ટેલીફોનિક જાણકારી ચૂંટણી પંચને જાણ કરવામાં આવી હતી. તેમજ આજે પ્રભાબેને તંત્રને લેખિતમાં પણ જાણ કરાઈ છે.
વિડીયો વાયરલઃ બુથ કેપ્ચરિંગની ઘટનામાં વિજય ભાભોર નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે બુથમાં પ્રવેશ કરી મતદારોને રોકીને મતદારોનો વોટ પોતે આપીને તથા અપશબ્દો ઉચ્ચારીને ભયનો માહોલ ઊભો કરી પોતે જ મતદારોનો મત આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો આ વ્યક્તિએ instagram પર અપલોડ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
ડો. પ્રભાબેને નોંધાવી ફરિયાદઃ દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ દ્વારા સ્થાનિક એ.આર.ઓને તાત્કાલિક ટેલીફોનિક જાણ કરાઈ હતી. જેમાં તમામ કર્મચારીઓ ઉપર કાયદેસરની કરવા માટે ઈલેક્શન કમિશનને લેખિતમાં દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ ફરિયાદ કરી હતી. પ્રભાબેને જણાવ્યું હતું કે, ગઈકાલે 10 કલાકની આસપાસ એક વિડીયોની માહિતી મળી હતી. જેમાં પ્રથમપુર ગામે 220 નંબરના બુથ પર ભાજપના નેતાના પુત્ર દ્વારા instagram પર પોસ્ટ બધાયે જોઈ છે. તેના અનુસંધાને અમે એક્શન લીધું છે. ગઈકાલે અત્રેના અને મહીસાગર કલેક્ટરને જાણ કરી દીધી હતી. સંતરામપુર એસેમ્બલીના એ.આર.ઓ.ને પણ અમે જાણ કરી હતી. ચૂંટણી પંચને પણ લેખિતમાં જાણ કરી છે. આ કિસ્સામાં લોકશાહીનું હનન થયું છે. મતદારોને મતાધિકારનું હનન થયું છે. અમે રીપોલિંગની માંગણી કરી છે.
શું કહે છે કલેક્ટર?: આ સમગ્ર કિસ્સામાં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસાર યોજાય તે માટે તમામ પગલાંઓ લેવામાં આવતા હોય છે. આ સામાજિક તત્વો અને રાજકીય પક્ષો પોતાના નશામાં ચકચૂર થઈ મતદારોને ડરાવી ધમકાવી અને બુથ કેપ્ચરિંગ કરીને પોતાના પક્ષમાં મત કરતા હોય છે.