ગાંધીનગરઃ લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષાંતર સ્વાભાવિક છે. રાજકીય પક્ષો પોતાના સંગઠનને વધુ મજબૂત કરવાવા કવાયત કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓ, આગેવાનો અને કાર્યકરો જોડાય તે રોજીંદા સમાચાર બની ગયા છે. આ શ્રેણીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ નો સમાવેશ થયો છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ, મહિલા પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા.

મોરબી જિલ્લા પ્રમુખની જાહેરાત બાદ ભડકોઃ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની જાહેરાત થતા પરિસ્થિતિ વણસી હતી. આ જાહેરાત બાદ પ્રમુખની જવાબદારી નિભાવતા જયંતી પટેલે નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. તેમજ ગંભીર આક્ષેપો કર્યા હતા. એટલું જ નહિ પૂર્વ પ્રમુખ મુકેશ ગામી સહિતના આગેવાનોએ એક બાદ એક ધડાધડ રાજીનામાં આપ્યા હતા. આ નારાજ આગેવાનો ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આખરે આજે કોંગ્રેસના નારાજ આગેવાનોએ ભાજપમાં જોડાઈ ગયા.

પૂર્વ પ્રમુખ, આગેવાનો અને કાર્યકરોએ કર્યા કેસરિયાઃ આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતી પટેલ, મહિલા પ્રમુખ રીટા ભાલોડીયા, ચેતન એરવાડિયા, નીલેશ ભાલોડીયા, પ્રકાશ બાવરવા, રામભાઈ રબારી અને અશ્વિનભાઈ વિડજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો. કમલમ ખાતે વેલકમ પાર્ટીમાં તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સી. આર. પાટીલે સ્વાગત કર્યુ હતું. લોકસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. તા. ૭ અને ૮ માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માંથી પસાર થવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવા અને કાર્યકરો સાથે કોંગ્રેસ ને રામ રામ કર્યા છે. તેમણે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા છે.