આણંદઃ જિલ્લામાં 7 વિધાનસભા બેઠક મળીને આણંદ લોકસભા બેઠક બને છે. આ બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીલક્ષી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી ને વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં સૌ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા આપીલ કરવામાં આવી હતી.
કુલ 17,80,182 મતદારોઃ આણંદ લોકસભા બેઠકમાં 17,80,182 મતદારો છે. જેમાં 9,07,934 પુરુષ અને 8,72,117 મહિલા મતદારો અને 131 થર્ડ ઝેન્ડર મતદારો છે. આણંદ જિલ્લાના 8 તાલુકામાં 7 વિધાનસભા નો સમાવેશ થાય છે. આણંદ લોકસભા બેઠકની સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જિલ્લામાં બંને ચૂંટણી માટે 8,078 પોલિંગ સ્ટાફ, 19 નોડલ ઓફિસર અને 161 માઈક્રો ઓબ્ઝર્વર્સ ફરજ બજાવશે. 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
હીટવેવ સંદર્ભે તૈયારીઓઃ આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે આણંદનો આરોગ્ય વિભાગ સજ્જ છે. દરેક મતદાન મથકે જરૂરી દવાઓ સાથેની ફર્સ્ટ એડ કિટ તથા ઓ.આર.એસ.ના પાઉચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મીઓને કોઈ તબીબી પ્રશ્ન ઉપસ્થિત થાય તો આણંદની ઝાયડસ હોસ્પિટલ અને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કેશલેસ સારવાર આપવામાં આવશે. નોડલ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ સંભવિત હીટવેવની અસર સામે મતદાનના દિવસે જિલ્લાનાં કુલ 1773 મતદાન મથકોએ જરૂરી દવાઓ સહિત કિટ મુકવામાં આવી છે અને જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત 108ને પણ સ્ટેન્ડબાય રખાશે.
બુથ પર પ્રાથમિક સુવિધાઓઃ દરેક બુથ પર પીવાના પાણી, શૌચાલય, રેમ્પ અને વીજળીની સુવિધાઓ કરવામાં આવી છે. તેમજ દિવ્યાંગ, સીનિયર સિટીઝન મતદાતાઓ માટે અલગ લાઈન કરાશે. વ્હીલ ચેર, વેન્ટિલેટર્સ, પ્રોપર સાઈન બોર્ડ, પોસ્ટર અને મફત વાહન સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. દરેક મતદાન મથકો ખાતે માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્ટ બૂથ પર BLO થકી માહિતી પૂરી પાડવામાં આવશે.