દેવભૂમિ દ્વારકાઃ આજે ખંભાળિયા ખાતે વહીવટી તંત્ર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ મતદાતાઓની જાગૃતિનો હતો. દિવ્યાંગ મતદાતાઓ મતદાન પ્રત્યે ઉદાસીન ન રહે અને જાગૃતિપૂર્વક મતદાન કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓએ ભાગ લીધોઃ લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મતદારોમાં મતદાન માટે જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓએ ભાગ લીધો હતો.
જરુરી માર્ગદર્શન અપાયુંઃ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં દિવ્યાંગ મતદાતાઓને જરુરી માર્ગદર્શન અપાયું હતું. જે અંતર્ગત દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં કોઈપણ પરેશાની ન થાય તે માટે માહિતી અપાઈ. તેમજ મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ મતદાતાઓને મળતી તમામ સવલતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ મતદારોએ પણ આ લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તેવો એક પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અમે ગુજરાતના બરોડા, રાજકોટ, અમદાવાદ અને આજે ખંભાળિયામાં દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. અમે દિવ્યાંગ મતદાતાઓને અપીલ કરીએ છીએ કે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે મતદાન અવશ્ય કરો...નવીન શાહ (ચેરમેન, રાષ્ટ્રીય દિવ્યાંગ કોર્પોરેશન મંડળ)
ભારતના વિકાસ, સુરક્ષા, શાંતિ માટે શ્રેષ્ઠ સરકાર બને તે બહુ જરુરી છે. શ્રેષ્ઠ સરકાર બનાવવા દરેક મતદાતાઓએ યોગ્ય મતદાન કરવું જરુરી છે. તેથી આજે અમે અહીં દિવ્યાંગ મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. અમે ગુજરાતના 4 જિલ્લામાં આવા કાર્યક્રમો કર્યા છે...રામકૃષ્ણ ગોસ્વામી(સંસ્થાપક, રાષ્ટ્રીય દિવ્યાંગ મંડળ)