નવસારીઃ નવસારી લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની 7,73,551ની લીડ સાથે ભવ્ય જીત થઈ છે. ગત ચૂંટણીમાં જે લીડ મળી હતી તે લીડ કરતાં આ લીડ વધુ હોવાથી આ વખતે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના નૈષધ દેસાઈની હાર થઈ છે.
7,73,551ની લીડ સાથે જીતઃ નવસારી લોકસભા બેઠક ઉપર મતગણતરી પૂર્ણ થઈ ગયી છે. ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલને 10,31,065 મતો મળ્યા છે. જયારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 2,57,514 મતો મળ્યા છે. આમ પાટીલે 7,73,551ની લીડ સાથે જીત મેળવી છે. સી.આર.પાટીલે વર્ષ 2019માં 6.89 લાખની લીડ કરતા 83,718 મતો સાથે લીડમાં વધારો કર્યો છે.
પોતાનો જ રેકોર્ડ તોડ્યોઃ નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલની બમ્પર જીત થઈ છે. વર્ષ 2009માં 1,32,643 લીડ હતી, વર્ષ 2014માં 5,58,116 લીડ હતી જયારે વર્ષ 2019માં 6,89,688 લીડ હતી પરંતુ આ વખતે આ તમામ રેકોર્ડ તોડીને તેઓ મોટી લીડ 7,73,551થી જીત મેળવી છે.
સ્ટાર પ્રચારકો ગેરહાજરઃ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક મત વિસ્તારમાં સી.આર. પાટીલે રેલીઓ કરી હતી. જો કે પ્રચારમાં પક્ષનો કોઈ સ્ટાર પ્રચારકે ચૂંટણી પ્રચાર કર્યો નહતો. તેમ છતાં ભાજપના સી.આર. પટેલની બમ્પર જીત થઈ રહી છે. પાટીલે પોતાની જીતનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે સાચો સાબિત થઇ રહ્યો છે. કોંગ્રેસની કારમી હારઃ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસના નૈષધ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના પણ કોઈ સ્ટાર પ્રચારકે નૈષધ દેસાઈનો પ્રચાર કર્યો નહતો. નૈષધ દેસાઈએ તેમની જાતે જ ચૂંટણી પ્રચાર કર્યો હતો.