દમણ : સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર થયું છે. કરાડ પોલીટેકનિક કોલેજ ખાતે સવારે 8 વાગ્યે મતગણતરી હાથ ધરતા પહેલા તમામ સ્ટાફ અને જે તે પક્ષના એજન્ટો, ઉમેદવારોને મતગણતરી કક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તબક્કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલી બેઠક પર કુલ 72.52 ટકા મતદાન નોંધાયું હતું.
કલાબેનની ઐતિહાસિક લીડ : આ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ હતો. જેનું 4 જૂને પરિણામ આવ્યું છે. આ પરિણામમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. કલાબેન ડેલકરે કોંગ્રેસના ઉમેદવાર અજિત માહલા સામે 57,584 મતની લીડથી વિજય મેળવ્યો છે. જે સંઘપ્રદેશના ઇતિહાસમાં ઐતિહાસિક લીડ છે.
કુલ મતદાન : દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 1,48,095 પુરુષ અને 1,34,929 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,035 મતદારો પૈકી 2,05,588 મતદારોએ મતદાન કરતા 72.52 ટકા મતદાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 2024 લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારો મેદાને હતા. જેમાં અજિત રામજી માહલા કોંગ્રેસના ઉમેદવાર હતા. સામા પક્ષે ડેલકર કલાબેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા.
ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર : આ બંને ઉમેદવાર વચ્ચે ટક્કર જામી હતી. જેની મતગણતરી 4 જૂને હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને 1,21,074 મત મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અજિત રામજી માહલાને 63490 મત મળ્યા હતા. મતગણતરીના અંતે 57,584 મતની લીડથી કલાબેન ડેલકરનો વિજય થયો હતો.
અન્ય ઉમેદવાર : દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણીમાં અન્ય ઉમેદવારો પણ મેદાનમાં હતા. જેમાં બોરસા સંદીપભાઈ એસ. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા. કુરાડા દીપકભાઈ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર હતા. શૈલેષભાઈ વરઠા અપક્ષ ઉમેદવાર હતા. જે તમામનું ભાવિ 7 મેના મતદાન પૂર્ણ થયા બાદ EVM માં સીલ થયું હતું.
વિજેતાએ જનતાનો આભાર માન્યો : ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીના પ્રદેશના લોકોની જીત ગણાવી હતી. ભાજપ દ્વારા અહીં અનેક વિકાસના કાર્યો થયા છે અને આવનારા દિવસોમાં પણ વિકાસની ગતિ અવિરત રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી જીત બદલ જનતાનો આભાર માન્યો હતો.
કલાબેન ડેલકર : અત્રે નોંધનીય છે કે, કલાબેન ડેલકરે વર્ષ 2021 ની પેટા ચૂંટણી શિવસેનાના બેનર હેઠળ લડી હતી. અને તે ચૂંટણી 51 હજાર જેટલા મતની લીડથી જીતી હતી. આ વખતે તેઓએ ભાજપ સાથે જોડાઈ આ ચૂંટણી લડી હતી. જેમાં બીજી વખત સૌથી મોટી ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી છે.