કચ્છ: જિલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન નખત્રાણા, મુન્દ્રા અને માંડવીમાં જે રીતે અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનું પ્રયાસ કર્યો હતો તેને ધ્યાનમાં રાખીને કચ્છ પોલીસ દ્વારા હવે નવરાત્રિમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં ગરબા સ્થળો પર મહિલાઓની સુરક્ષા માટે પોલીસની 'શી ટીમ' સદા વસ્ત્રોમાં ફરજ પર રહેશે, તેમજ આયોજકોને પણ સીસીટીવી અને ફાયર સેફટી રાખવા બાબતે ખાસ સૂચનો કચ્છ પોલીસ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે.
કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો: નવરાત્રિના દિવસોમાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રસિકો સાથે અન્ય ભીડ પણ મોટી માત્રામાં એકઠી થતી હોય છે. જેને કારણે મેળા જેવો માહોલ ઉભો થતો હોય છે. આ દરમિયાન મહિલાઓ સાથે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન બનેલા બનાવ બાદ આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ એલર્ટ રહેશે અને શહેર વિસ્તારની સાથે ગામડાઓમાં થતા ગરબા દરમિયાન જીઆરડી જવાનોને તૈનાત કરવામાં આવશે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.
અણબનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે માટે અપીલ: પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસ.પી. સાગર બાગમારે આ બાબતે જણાવ્યું હતું કે, 'નવરાત્રિના તહેવારમાં બધા લોકો આસ્થાને અનુરૂપ ઉત્સાહથી ઉજવણી કરે છે, પરંતુ તંત્રના નિયમોનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખે તો કોઈ અણબનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે. લોકો શાંતિપૂર્વક નવરાત્રિના નવ દિવસો દરમિયાન ગરબા રમી શકે તે માટે પોલીસ ખડેપગે રહેશે અને તમામ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.'
નવરાત્રી દરમિયાન ગરબા રમવા જનારી મહિલાઓ માટે કચ્છ પોલીસની ખાસ અપીલ:
- મહિલાઓ જ્યાં ગરબા રમવા જવાના હોય ત્યાંનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તેમના પરિવારજનોને આપીને ગરબા રમવા જાય તેવી અપીલ કરવામાં આવી છે.
- મહિલાઓ ગરબા રમવા જાય ત્યારે તેમના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ક્રિચર હંમેશા ઓન મોડ પર રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
- અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ન ખાવા માટે તેમજ અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફસ કે વિડીયો શૅર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
- મહિલાઓ પોતાના વાહનમાં પૂરતા પ્રમાણમાં ફ્યુઅલ(ઇંધણ) રાખવાનો આગ્રહ રાખે અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવા માટે કચ્છ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
- મહિલાઓ ગરબા રમવા જાય ત્યારે પરિચિત ગૃપમાં જ રહે અને અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળવા માટે અને કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે.
- મહિલાઓને ગરબા કાર્યક્રમ સ્થળે જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરવો તેમજ જો રાત્રિના સમયે કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: